તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ભાવનગરના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીના ૨૬મા સ્થાપના દિનની સિહોર ખાતે ભવ્ય અને ધામધૂમથી ઉજવણી
શૂન્યમાંથી સર્જન કરી દૂધ ઉત્પાદકોને ખાનગી વેપારીઓના શોષણમાંથી મુક્ત કરાવ્યા : સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને સ્થાપક-મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીના પરિણામલક્ષી નેતૃત્વમાં શ્વેતક્રાંતિ બાદ હવે હરિયાળી તેમજ સ્વાસ્થ્ય ક્રાંતિ તરફ આગળ વધતી સંસ્થા

સિહોર:ભાવનગર જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી ગણાતા ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, "સર્વોત્તમ ડેરી" ના ૨૬મા સ્થાપના દિનની ઉજવણી શનિવાર, તારીખ ૨૭/૦૬/૨૦૨૬ ના રોજ સર્વોત્તમ ડેરી, સિહોર ખાતે અત્યંત ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવી હતી. આ ગરિમામય સમારોહ સંસ્થાના પાયાના પથ્થર, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સ્થાપના દિન નિમિત્તે ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓની વિશાળ ઉપસ્થિતિમાં પ્રતીકરૂપે ૨૬ દીપ પ્રગટાવીને સંસ્થાની સફળ સફરને બિરદાવવામાં આવી હતી.
નેસવડ દૂધ મંડળીથી શરૂ થયેલો સંઘર્ષ અને શોષણમુક્તિનો સંકલ્પ:
આ ઉજવણી દરમિયાન સંસ્થાની સ્થાપના પાછળના જૂના સંઘર્ષો અને પડકારોને યાદ કરવામાં આવ્યા હતા. મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીના અથાક પરિશ્રમ અને મહાસંઘર્ષ થકી આ દૂધ સંઘની સ્થાપના થઈ હતી, જેનું મુખ્ય કેન્દ્રબિંદુ નેસવડ દૂધ મંડળી રહ્યું છે. એક સમય હતો જ્યારે દૂધ ઉત્પાદકો ખાનગી વેપારીઓના શોષણનો ભોગ બનતા હતા. પશુપાલકોને આ શોષણમાંથી મુક્ત કરવા અને તેમને દૂધના પૂરતા ભાવ અપાવવા માટે સંસ્થાએ શરૂઆતના દિવસોમાં કરેલી અકલ્પનીય અને પરિણામલક્ષી કામગીરીની સરાહના કરવામાં આવી હતી.
શ્વેતક્રાંતિ બાદ હવે હરિયાળી, આનુવંશિક અને સ્વાસ્થ્ય ક્રાંતિ તરફ હરણફાળ:
સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીના કુશળ નેતૃત્વ હેઠળ સર્વોત્તમ ડેરીએ વિકાસની હરણફાળ ભરી છે. પશુપાલકોને દૂધના સર્વોત્તમ ભાવ આપીને જિલ્લામાં શ્વેતક્રાંતિના માધ્યમથી આર્થિક ક્રાંતિ લાવવામાં આ સંસ્થાનો અહમ ફાળો રહ્યો છે. આ આર્થિક મજબૂતી બાદ હવે સર્વોત્તમ ડેરી ભાવનગર જિલ્લામાં હરિયાળી ક્રાંતિ, પશુઓમાં આનુવંશિક ક્રાંતિ તેમજ નાગરિકો માટે સ્વાસ્થ્ય ક્રાંતિ લાવવા તરફ મક્કમ પગલે આગળ વધી રહી છે.
શૂન્યમાંથી સર્જન કરી પશુપાલકોને આપ્યા રેકોર્ડબ્રેક ભાવ:
એક નાનકડા ગામમાંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર એચ.આર. જોષીની સખત મહેનત, ખંત અને દીર્ઘદ્રષ્ટિના કારણે જ જિલ્લામાં એક-બે નહીં પરંતુ ત્રણ-ત્રણ સહકારી સંસ્થાઓની સ્થાપના થઈ શકી છે અને તેમના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાઓનો વ્યાપક વિકાસ થયો છે. તેમના ભગીરથ પ્રયાસોથી જ સર્વોત્તમ ડેરીનું શૂન્યમાંથી સર્જન શક્ય બન્યું છે. સર્વોત્તમ ડેરીએ ખૂબ જ ટૂંકા ગાળામાં દૂધ ઉત્પાદકોને સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં રેકોર્ડબ્રેક ભાવ આપીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પશુપાલકોની આવકમાં દિન-પ્રતિદિન વધારો કરીને તેમના જીવનધોરણને ઊંચું લાવવા માટે ડેરી પ્રશાસન હરહંમેશ કાર્યરત હોવાનું આ પ્રસંગે પુનઃ ઉચ્ચારવામાં આવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
