તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
મોદી સ્કૂલના ૨૫૦ ભૂલકાંઓએ વત્સલ્યધામ વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળીની હૃદયસ્પર્શી ઉજવણી કરી
બે પેઢીઓ વચ્ચે લાગણીસભર સંવાદઃ બાળકોના આગમનથી વૃદ્ધાશ્રમનું વાતાવરણ આનંદિત બન્યું: નાના બાળકોએ વડીલોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ મેળવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : દિવાળીના પાવન પર્વ નિમિત્તે જામનગર સ્થિત મોદી સ્કૂલના લોઅર પ્રાઇમરી વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ⁸ અને સંસ્કાર સિંચનના ભાગરૂપે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આશરે ૨૫૦ જેટલા ભૂલકાંઓએ વસઈ ગામે આવેલ વત્સલ્યધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલો સાથે દિવાળી પર્વની હૃદયસ્પર્શી ઉજવણી કરી હતી.
મુલાકાત દરમિયાન બાળકોએ આશ્રમમાં રહેતા તમામ વડીલોને પ્રેમપૂર્વક દિવાળીની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોની નિર્દોષ વાતો અને સ્નેહપૂર્ણ સંવાદથી સમગ્ર વૃદ્ધાશ્રમનું વાતાવરણ જીવંત અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. વડીલોએ પણ બાળકોને ભાવપૂર્વક પોતાના આશીર્વાદ આપ્યા હતા.
બાળકોની નિર્દોષતા અને વડીલોના વત્સલભાવ વચ્ચે સર્જાયેલા આ સંગમમાં સ્નેહ, હાસ્ય અને લાગણીઓની આપ-લે થઈ હતી. બે પેઢીઓને પ્રેમ અને લાગણીના તાંતણે જોડતી આ મુલાકાતે ઉપસ્થિત સૌ કોઈના ચહેરા પર નિખાલસ સ્મિત લાવી દીધું હતું.
શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, આવા આયોજનો પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી જ વડીલો પ્રત્યે આદર, સ્નેહ અને સામાજિક સંવેદના કેળવાય તે છે. પેઢીઓને જોડતો પ્રેમનો આ દીપક સમાજમાં સદાય પ્રજ્વલિત રહે તેવી ભાવના સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
