<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

વિસાવદરનાં સુખપુર ગામે ૨૫ હજાર પાટીદારો એકત્રિત થશે: બિપીન રામાણી : જૂનાગઢ જિલ્લાના સ્થાનિક પાટીદાર આગેવાનોને સરકાર અને પક્ષીય લેવલે પ્રાધાન્ય આપવાની માંગને બળવત્તર બનાવવા જબ્બર આયોજન

આયાતી ઉમેદવાર સામે અત્યારથી જ ઉગ્ર નારાજગી : વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદારોના ગઢમાં આગવા આયોજનથી અવનવા રાજકીય તર્ક વિતર્ક : સમગ્ર સોરઠમાંથી પાટીદારોના ધાડેધાડા ઉતરી પડશે : રાજકીય ગરમાવો

(યાસીન  બ્લોચ દ્વારા)વિસાવદર તા.૧૩  : વિસાવદરનાં સુરત સ્થિત વરિષ્ઠ પાટીદાર ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણીએ દીપાવલી-નૂતન વર્ષ પૂર્વે વિસાવદર ખાતેનાં પોતાના ફાર્મ હાઉસ ખાતે અને પોતાના વતન સુખપુર ગામે બન્ને સ્થળે સ્નેહમિલન યોજી પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા પ્રમુખ, પૂર્વ તા.પં., ન.પા.પ્રમુખો, સામાજિક, શૈક્ષણિક, સહકારી સંસ્થાઓનાં વડાઓ, ડોક્ટરો, વકીલો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રેસરોનો જમાવડો એકત્રિત કર્યા હતો જેને રાજકીય નિરીક્ષકો પ્રથમ દ્રષ્ટિએ જ રાજકીય લક્ષ્યાંકનાં દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા હતા.

દરમિયાન આ અંગે બીપીનભાઈ રામાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે, અમો વર્ષોથી દિપાવલી-નૂતનવર્ષ શુભેચ્છાના હેતુસર દર વર્ષે સ્નેહ મિલનનુ આયોજન કરતા રહ્યા છીએ.. અને આ પણ સ્નેહ મિલનના જ કાર્યક્રમો હતા.. સૌપ્રથમ વિસાવદર ફાર્મ હાઉસ ખાતે બધા મિત્રો મળ્યા, બિલકુલ બીન રાજકિય દ્રષ્ટિકોણથી જ નિરાંતની પળોમાં દિપાવલી-નૂતનવર્ષની શુભેચ્છાની આપ-લે કરી સૌએ ભોજન લીધું અને છુટા પડ્યા.. પરંતુ મારા વતન સુખપુર ગામે લેઉઆ પટેલ સમાજ પ્રેરિત સ્નેહ મિલનના કાર્યક્રમમાં દિપાવલી-નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથોસાથ જૂનાગઢ જિલ્લાના સ્થાનિક પાટીદાર આગેવાનોની સરકાર લેવલે અને પક્ષીય લેવલે આયાતી આગેવાનો-નેતાઓના લીધે ઉપેક્ષા અવગણના થઈ રહી હોવાનો સૂર સંભળાયો હતો... જેથી સુખપર લેઉઆ પટેલ સમાજની કારોબારી સમિતીએ નક્કી કરેલ કે, આગામી દિવસોમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક, રાજકીય, ધાર્મિક સહિતના વિવિધ ક્ષેત્રના પાટીદાર અગ્રેસરોની સુખપુર ખાતે એક બેઠક બોલાવવી, અને આખો દિવસ જુદા જુદા સેશન (સત્ર)માં બેઠકો યોજી વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી, સૌના સુચનો ધ્યાને લઇ સુખપુર ગામે જ આવનાર દિવસોમાં ૨૫ હજાર પાટીદારો એકત્રિત કરી આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જૂનાગઢ જિલ્લાના સ્થાનિક પાટીદાર આગેવાનોને સરકાર અને પક્ષીય લેવલે પ્રાધાન્ય આપવાની માંગને બળવત્તર બનાવવા અને આયાતી ઉમેદવારોના ભોગે કોઈ પણ કાળે સ્થાનિક પાટીદાર આગેવાનોને ભોગ બનતા અટકાવવા સતત ગામેગામ અભિયાન ચલાવાશે..આ ઉપરાંત સુરતમાં વસવાટ કરતા જૂનાગઢ જિલ્લાના વતની પાટીદારોમાં પણ આ અભિયાન ચલાવવામાં આવશે તેમ સ્પષ્ટ શબ્દોમાં બીપીન રામાણીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદરના જાણીતા સેવાભાવી અગ્રણી-દાતા અને પાટીદાર સમાજશ્રેષ્ઠિ શ્રી બિપીનભાઈ રામાણીની વાડી ખાતે દીપાવલી પર્વ નિમિત્તે એક ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાભરમાંથી વિવિધ ક્ષેત્રના રાજકીય, સામાજિક અને વિવિધક્ષેત્રના મહારથીઓ તેમજ વરિષ્ઠ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે બિપીનભાઈ રામાણી દ્વારા વાડીએ પધારેલા તમામ આમંત્રિત મહેમાનો અને આગેવાનોનું ભાવભર્યું સ્વાગત કરાવવામાં આવ્યા હતા.

આ સ્નેહમિલન સમારોહમાં જિલ્લાના પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય, જાહેર જીવનના આગેવાનો અને સામાજિક સંસ્થાઓના પ્રમુખો સહિતના નામાંકિત મહાનુભાવોએ હાજરી આપી એકબીજાને દિપાવલી નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ સ્નેહ મિલનમાં  પૂર્વ કૃષિમંત્રી કનુભાઇ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માઘાબાપા બોરીચા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસીભાઇ જાવીયા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ રામાણી તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના વર્ષો સુધી સભ્ય રહેલા  લેઉઆ પટેલ સમાજના પ્રમુખ રતિભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બીલખાથી ખાસ પધારેલા ઘનજીભાઇ રતનાભાઇ ઠુંમર, વિસાવદરના પૂર્વ નગરપતિ ઘનશ્યામભાઇ સાવલિયા, વિસાવદર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મઘુભાઇ‌ પદમાણી, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય જીતુભાઇ રીબડીયા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય વિરેન્દ્રભાઇ સાવલિયા તથા ભેસાણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગાંડુભાઇએ હાજરી આપી હતી. આ ઉપરાંત અગ્રણીઓ સર્વશ્રી જયસુખભાઇ, ઘનશ્યામભાઇ પટોળીયા, પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઇ બોરડ, દેવમણી કોલેજના પ્રમુખ શાંતિભાઇ ગણાત્રા, વેપારી એસોસિએશનના અબુલીભાઇ હિરાણી, રોટરી મંડળના સભ્યો તથા સિનિયર એડવોકેટ ભાસ્કરભાઇ જોષી તથા સીરાજભાઇ માડકિયા, જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્રભાઇ કોટીલા, પૂર્વ મંત્રી રમણીકભાઇ દુઘાત્રા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. બિપીનભાઈ રામાણીની વાડીએ યોજાયેલ આ દિપાવલી મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વરિષ્ઠ આગેવાનોએ નૂતન વર્ષમાં જિલ્લાના સામાજિક સૌહાર્દ અને વિકાસની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સૌએ હરખથી સાથે ભોજન લઈ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ અને ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

વિસાવદરનાં આ કાર્યક્રમ બાદ બીપીનભાઈ રામાણીએ પોતાના વતન સુખપર ગામે સુખપુર લેઉઆ પટેલ સમાજ પ્રેરિત દીપાવલી-નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં લેઉઆ પટેલ સમાજ બિલ્ડીંગમાં લીફટ્ સુવિધાનો શુભારંભ દાતા-માજી ધારાસભ્ય પોપટભાઈ રામાણીના વરદહસ્તે કરવામા આવ્યો હતો. આ બેઠકમાં સુખપુર લેઉઆ પટેલ સમાજના પ્રમુખ સવજીભાઈ ગોંડલીયા, ટ્રસ્ટી કેશુભાઈ વડાલીયા, બીપીનભાઈ રામાણી, ડો.પીયુષભાઈ વડાલીયા, પરશોતમભાઈ રાંક વિઠ્ઠલભાઈ ભાલીયા, અમૃતભાઈ રામાણી, એડવોકેટ રવજીભાઈ રામાણી સહિત આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે,વિસાવદરના સુખપુર ગામનાં વતની અને હાલ સુરત સ્થિત અગ્રણી ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણી વિસાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના ધુરંધર આગેવાન પોપટભાઈ રામાણીનાં પુત્ર છે. બીપીન રામાણી હરહંમેશ જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થતા રહ્યા છે. કોરોના કાળ દરમિયાનની તેમની સેવાઓ યાદગાર રહી હતી. તેઓ સમુહલગ્ન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં દાતા તરીકે હંમેશાં અગ્રેસર રહ્યા છે. સુખપુર ગામ ખાતે લેઉઆ પટેલ સમાજના નિર્માણમાં તેઓ માતબર દાન સાથે મુખ્ય દાતા રહ્યા છે. સુરતમાં ઉધોગ વ્યવસાય હોવા છતાંય વિસાવદર પંથકને વધુ સમય ફાળવતા બીપીન રામાણી વતનપ્રેમી છે. આમ વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્ર અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આગવું સ્થાન ધરાવતા બીપીન રામાણીએ સુખપુર લેઉઆ પટેલ સમાજ દ્વારા ૨૫ હજાર પાટીદારો એકત્રિત કરી "સ્થાનિક પાટીદાર આગેવાનોનો ભોગ આયાતી આગેવાનોને મહત્વ આપવાના હેતુથી તો નહીં જ" નું આગવું આયોજન કરી રહ્યાનું જાહેર કરતા સોરઠના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જૂનાગઢ જિલ્લામાં વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર પાટીદારોનો જબરો પ્રભાવ છે અને આ બેઠક પર તમામ રાજકીય પક્ષો પાટીદાર ઉમેદવારને જ મેદાનમાં ઉતારે છે ત્યારે અત્યારથી જ આ બેઠક પર આયાતી ઉમેદવાર સામે ખૂદ સ્થાનિક પાટીદાર આગેવાનોએ વિરોધ શરૂ કરતા રાજકીય નિરીક્ષકો અવનવા સૂચિતાર્થ વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ પૂર્વે જ સોરઠના રાજકારણમાં પારો ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનાગઢ જિલ્લાના પાટીદારોના પરંપરાગત ગઢ ગણાતા વિસાવદર તાલુકાના સુખપુર ગામે આગામી દિવસોમાં એક જબ્બર રાજકીય ભૂકંપ લાવનારી હિલચાલ શરૂ થઈ ચૂકી છે ત્યારે સમગ્ર સોરઠમાં ચારેકોર વ્યાપક ચર્ચા અને ચકચાર છે. સ્થાનિક પાટીદાર આગેવાનોને સરકાર અને પક્ષીય લેવલે યોગ્ય પ્રાધાન્ય આપવાની માંગ સાથે એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યાની જાહેરાતે રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ આયોજનને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અવનવા તર્ક-વિતર્કો અને સમીકરણોએ જોર પકડ્યું છે.

પાટીદાર ઉદ્યોગપતિ બિપીનભાઈ રામાણીના નેતૃત્વમાં લેઉઆ પટેલ સમાજની હિંમતભરી આગેકૂચ

વિસાવદર તાલુકાના સુખપુર ગામે લેઉઆ પટેલ સમાજ દ્વારા આ અતિ મહત્વપૂર્ણ આયોજન ઘડાઈ રહ્યું છે. આ સમગ્ર આયોજનની કમાન સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ અને મૂળ વિસાવદરના વતની બિપીનભાઈ રામાણીના નેતૃત્વમાં સંભાળવામાં આવી રહી છે. વિસાવદરનાં વતની હાલ સુરત સ્થિત પાટીદાર ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણીએ જણાવ્યા અનુસાર, આ સંમેલનને સફળ બનાવવા માટે રાઉન્ડ ધ ક્લોક બેઠકો અને ગ્રામ્ય સ્તરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વતનની માટી સાથે સતત જોડાયેલા રહીને સમાજ ઉત્થાનના કાર્યો કરતા બિપીનભાઈના આ આહવાનને સમગ્ર સોરઠ પંથકમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યાનો દાવો કરાઈ રહ્યો છે.

'આયાતી ઉમેદવાર' સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ અને અસંતોષ : લાંબા સમયથી જૂનાગઢ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં બહારથી આવતા એટલે કે 'આયાતી' ઉમેદવારોને પક્ષ દ્વારા ટિકિટ આપીને લાદવામાં આવતા હોવાની નારાજગી હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગઈ છે. સ્થાનિક લેઉઆ પટેલ સમાજ અને પાયાના કાર્યકરોમાં અત્યારથી જ આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રામાણીના મતે જે નેતા રાત-દિવસ વિસ્તારના લોકો વચ્ચે રહે છે, પ્રજાના સુખ-દુઃખમાં ભાગીદાર બને છે અને સ્થાનિક પ્રશ્નોથી વાકેફ છે, તેમને જ પક્ષીય અને સરકારી સ્તરે મહત્વ મળવું જોઈએ. બહારના નેતાઓને સ્વીકારવાનો હવે જનતા અને સમાજે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે તેમ રામાણી જણાવી રહ્યા છે.

સુખપુર ગામે જામશે પાટીદારોનો મહાકુંભ, ૨૫ હજારથી વધુ લોકો જોડાશે : આ આક્રોશ અને માંગને ગાંધીનગર અને દિલ્હીના હાઈકમાન્ડ સુધી મજબૂતાઈથી પહોંચાડવા માટે સુખપુર ગામે એક ભવ્ય શક્તિપ્રદર્શનનું માળખું તૈયાર કરાયું છે. આ મહાસંમેલનમાં માત્ર વિસાવદર તાલુકો જ નહીં, પરંતુ જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાંથી પાટીદારોના ધાડેધાડા ઉતરી પડશે. અંદાજે ૨૫,૦૦૦ થી વધુ લેઉઆ પટેલો એકત્રિત થઈને પોતાની સામાજિક એકતા અને સ્થાનિક નેતૃત્વની તાકાતનું પ્રદર્શન કરશે, જે સોરઠના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે તેમ રામાણીએ જણાવ્યું છે.

રાજકીય પક્ષો માટે ચિંતાની ઘંટડી અને આગામી સમીકરણો : ચૂંટણીના ભણકારા વચ્ચે પાટીદાર સમાજના આ આક્રમક અને સંગઠિત વલણથી ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ મુખ્ય રાજકીય પક્ષોના હૃદયના ધબકારા વધી ગયા છે. સોરઠ અને ખાસ કરીને વિસાવદર બેઠક પર પાટીદાર મતદારો હંમેશાં નિર્ણાયક ભૂમિકા ભજવતા આવ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે આ વિસ્તારના પાટીદારો જે તરફ વળે છે, તે તરફ સત્તાનું પલડું નમે છે.

રાજકીય વિશ્લેષકોના મતે, બિપીનભાઈ રામાણીના નેતૃત્વમાં યોજાનારું આ સંમેલન માત્ર એક સામાજિક મેળાવડો નથી, પરંતુ રાજકીય પક્ષો પર સ્થાનિક પાયાના ઉમેદવારો પસંદ કરવા માટેનું એક સુનિયોજિત આયોજન છે. જો રાજકીય પક્ષો દ્વારા આ ન્યાયી માંગણીની અવગણના કરવામાં આવશે, તો ચૂંટણીમાં તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે તેવી ગર્ભિત ચીમકી પણ આ આયોજન પાછળ છુપાયેલી દેખાઈ રહી છે. આવનારા દિવસોમાં આ સંમેલન સૌરાષ્ટ્ર-ગુજરાત અને સોરઠના રાજકારણને કઈ નવી દિશા આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

(9:27 AM IST)