<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

કચ્‍છમાં સસ્‍તા સોનાની લાલચમાં ૨૫ લાખ ગુમાવ્‍યા

રાજસ્‍થાનનો વ્‍યાપારી ગાંધીધામમાં લૂંટાયોઃ સસ્‍તાની લાલચે છેતરપિંડી કરનારાની માયાજાળમાં ફસાયાનો વધુ એક બનાવ : વેપારીએ બેગમાંથી ૨૫ લાખ રૂપિયા બતાવતા જ આરોપીઓએ પિસ્‍તોલ કાઢ... તેમ કહી ડરાવી-ધમકાવીને રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધીઃ પોલીસે લોકોને સાવચેત રહેવા અપીલ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦: કચ્‍છના ગાંધીધામમાં સસ્‍તા ભાવે સોનું આપવાની લાલચ આપીને રાજસ્‍થાનના એક વેપારીનું અપહરણ કરી પાસેથી રૂ. ૨૫ લાખની લૂંટ ચલાવવામાં આવી છે. આ આયોજનબદ્ધ છેતરપિડી અને લૂંટની ઘટના અંગે ભોગ બનનાર વેપારીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગતો મુજબ ફરિયાદી બિકાનેરના અનાજના વ્‍યાપારી રામનિવાસ જગદીશપ્રસાદ શર્માને ગાંધીધામ ગળપાદરના ઘનશ્‍યામ ઉપાધ્‍યાયે પોતાના મિત્રો સસ્‍તા ભાવે સોનું વેંચે છે એવી લાલચ આપી ઠગાઇ, અપહરણ અને લૂંટની ટ્રેપમાં ફસાવ્‍યા હતા. આરોપીઓએ ૨૪ કેરેટ સોનાના ૧૦૦ ગ્રામના બિસ્‍કિટ બજાર ભાવ કરતાં સસ્‍તામાં આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને રાજસ્‍થાનના બિકાનેરના વેપારી રામનિવાસ તેમના મિત્ર પવનકુમાર સાથે રૂ. ૨૫ લાખ રોકડા લઈને ગાંધીધામ આવ્‍યા હતા. ૧૮ ઓગસ્‍ટ ૨૦૨૬ ના રોજ તેઓ ગાંધીધામની શિવ રેજન્‍સી હોટેલ પાસે રોકાયા હતા. ત્‍યાંથી આરોપી વિશાલ, દીપક અને અન્‍ય શખ્‍સો તેમને કારમાં બેસાડી રાજશ્રી બાગ સોસાયટી તરફ લઈ ગયા હતા. રસ્‍તામાં આરોપીઓએ પેમેન્‍ટની ખાતરી કરવા પૈસા બતાવવા કહ્યું હતું. વેપારીએ બેગમાંથી ૨૫ લાખ રૂપિયા બતાવતા જ આરોપીઓએ પિસ્‍તોલ કાઢ... તેમ કહી ડરાવી-ધમકાવીને રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી. ત્‍યારબાદ આરોપીઓ ફરિયાદીને રસ્‍તામાં ઉતારીને નાસી છૂટ્‍યા હતા. આ ગુનામાં આદિપુરના કાદરશા ગુલામશા સૈયદ, વિશાલ અને અન્‍ય બે અજાણ્‍યા ઈસમો સામે પૂર્વ આયોજિત કાવતરું રચીને લૂંટ કરવા બદલ ગુનો દાખલ કરાયો છે. હાલ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના પીએસઆઈ વી. જે. જાડેજા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે. કચ્‍છ જિલ્‍લામાં સોશિયલ મીડિયા કે અન્‍ય માધ્‍યમો દ્વારા સસ્‍તા સોનાના નામે છેતરપિડી કરતી ગેંગ સક્રિય હોવાથી પોલીસે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

(10:10 AM IST)