<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

રીબ પાસે બાઇક સ્‍લીપ થતાં ૨૨ વર્ષના સુરપાલ બારીયાનું મોતઃ મિત્રને ઇજા

હાથના અંગુઠામાં ઇજા થઇ હોઇ ડ્રેસીંગ કરાવવા મિત્ર સાથે જતો હતો : મુળ અરવલ્લી માલપુરના યુવાને રાજકોટ સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૬: ગોંડલ તાબેના રીબ ગામ પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં તેના પર સવાર બે મિત્રો ફંગોળાઇ ગયા હતાં. જેમાંથી એકનું મોત થયું છે અને બીજાને ઇજા થતાં સારવાર હેઠળ છે. જેનું મૃત્‍યુ થયું તે યુવાનને હાથના અંગુઠામાં ઇજા થઇ હોઇ ડ્રેસીંગ કરાવવા માટે તે મિત્રને સાથે લઇને જતો હતો ત્‍યારે અકસ્‍માત નડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલના રીબ ગામે શ્રેયશ ફેક્‍ટરી પાસે રહેતો અને ફેક્‍ટરીમાં મજૂરી કરતો સુરપાલભાઇ ભલાભાઇ બારીયા (ઉ.વ.૨૨) રાતે નવેક વાગ્‍યે રીબથી મિત્રના બાઇક પાછળ બેસી ગોંડલ પોતાના હાથના અંગુઠામાં અગાઉ ઇજા પહોંચી હોઇ ડ્રેસીંગ કરાવવા માટે જતો હતો. બંને મિત્રો રીબ નજીક જ હતાં ત્‍યારે બાઇક સ્‍લીપ થઇ જતાં બંનેને ઇજાઓ થતાં ગોંડલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યાંથી સુરપાલભાઇને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે તેણે દમ તોડી દીધો હતો.

મૃત્‍યુ પામનાર સુરપાલભાઇ મુળ અરવલ્લીના માલપુરનો વતની હતો અને બે ભાઇ તથા બે બહેનમાં મોટો હતો. તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતાં. બનાવથી મજૂર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(1:37 PM IST)