તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
બોટાદમાં ખોટી નંબર પ્લેટના કેસમાં કેસ ન કરવા માટે ૨૨ હજારની લાંચ લેતા જી.આર.ડી. જવાન એ.સી.બી.ના છટકામાં આબાદ ઝડપાયો
બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસકર્મી વતી પહેલા રૂ. ૫૦,૦૦૦ની માગણી કરાઈ હતી : રકઝકના અંતે રૂ. ૨૨,૦૦૦ સ્વીકારતા ક્રિષ્ના મોબાઈલ દુકાન પાસેથી આરોપી રંગેહાથ પકડાયો

બોટાદ: બોટાદ ગ્રામ્ય વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગોઠવવામાં આવેલા સફળ છટકામાં બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એક જી.આર.ડી. (ગામ રક્ષક દળ) જવાનને રૂ. ૨૨,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ફરિયાદીના ભત્રીજા પર બાઈક પર ખોટી નંબર પ્લેટ લગાવીને વાહન ચલાવતા હોવાની શંકા રાખીને બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તેને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. આ મામલે ગુનો દાખલ ન કરવા અને કેસ રફાદફા કરવા માટે આરોપી કિશનભાઈ મનજીભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૬, નોકરી-જી.આર.ડી., બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન) નામના જવાને બોટાદ ગ્રામ્ય પો.સ્ટે.ના પોલીસકર્મીઓ વતી પ્રથમ રૂ. ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂ. ૨૨,૦૦૦ આપવાનું નક્કી થયું હતું.
જોકે, જાગૃત ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે બોટાદ એ.સી.બી.નો સંપર્ક સાધીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એ.સી.બી.ની ટીમે ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ લાઠીદડ ગામે આવેલા એસ.બી.આઈ. એ.ટી.એમ. પાસે આવેલી 'ક્રિષ્ના મોજ' મોબાઈલની દુકાન નજીક લાંચનું છટકું ગોઠવ્યું હતું.
આ છટકા દરમિયાન આરોપી કિશન ચૌહાણે ફરિયાદી પાસેથી નક્કી કરેલી લાંચની રકમ રૂ. ૨૨,૦૦૦ સ્થળ પર સ્વીકારતા જ હાજર રહેલા એ.સી.બી.ના અધિકારીઓએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. એ.સી.બી. દ્વારા સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રૂ. ૨૨,૦૦૦ની રકમ રીકવર કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી બોટાદ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પી. સી. મોલીયા તથા તેમની સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
