તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
થાનગઢમાં ગેરકાયદેસર ખાણમાં ડૂબી જતાં ૨૧ વર્ષીય યુવકનું મોતઃ તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ
અજય રાઠોડ ખારા વિસ્તારમાં નહાવા ગયો હતોઃ ૬ કલાક બાદ પહોંચેલી ટીમે સાડા ત્રણ કલાકની જહેમતે મળતદેહ બહાર કાઢયો, ખનીજ માફિયાઓની ખાણો ન પૂરવાનો સ્થાનિકોનો આક્ષેપ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૮: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે મંગળવારે બનેલી દુઃખદ ઘટનામાં ૨૧ વર્ષીય યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું છે.
માહિતી મુજબ, મંગળવારે બપોરે અંદાજે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ અજયભાઈ હિતેષભાઈ રાઠોડ ખારા વિસ્તારમાં ગેરકાયદેસર ખાણમાં નહાવા ગયો હતો, જ્યાં અચાનક ડૂબી જતા તેનું કરુણ મોત નિપજ્યું હતું.
સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે કારણ કે ઘટના અંગે જાણ કરવા છતાં સાંજના ૬:૪૫ વાગ્યે સુરેન્દ્રનગરની ટીમ પહોંચી હતી. ઘટનાના લગભગ ૬ કલાક બાદ પહોંચેલી ટીમે સાડા ત્રણ કલાકની જહેમત બાદ ખાણમાંથી મળતદેહ બહાર કાઢયો હતો.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, ખનીજ માફિયાઓ દ્વારા ખોદવામાં આવેલી ગેરકાયદેસર ખાણો તંત્ર દ્વારા પુરવામાં આવી નહોતી, જેના કારણે યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અજય રાઠોડ પરિવારનો એકનો એક દીકરો હોવાનું સામે આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઘટનાને લઈને લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર ખાણો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ જવાબદાર તંત્ર સામે પગલાં લેવા માંગ ઉઠી રહી છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
