<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

વીજલાઈન મુદે ખેડૂતોના 24 પૈકી 21 મુદાઓનું નિરાકરણ થઈ ગયું હોવાનો મધ્યસ્થીનો દાવો : ખેડૂત આગેવાનો અજાણ!

બાકીના ૩ મુદ્દાઓ અંગે નિર્ણય થતા જ દિવાળી પહેલા ખેડૂત આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા : ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :વીજલાઈન વળતર મુદે ખેડૂતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સાથે છાવણી નાખીને વિરોધ પ્રદર્શન ક૨વામાં આવી રહ્યું છે, જેને લઈને સમાજના એક અગ્રણીએ મધ્યસ્થી બની સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ અગ્રણીએ એવો દાવો કર્યો છે કે સરકારે 24 પૈકી 21 મુદાઓનું નિરાકરણ કરી દીધું છે. ત્રણ જ મુદાઓ બાકી છે. જો કે બીજી તરફ જેતપરના ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે 21 મુદાઓના નિરાકરણ અંગે અમને ખ્યાલ નથી. આ મામલે સત્તાવાર કોઈ વિગત આવી નથી.
વધુમાં મધ્યસ્થી બનેલા આગેવાને બાકી રહેલા અન્ય 3 મહત્વના મુદ્દાઓ ઉપર પણ. આગામી દિવાળીના તહેવારો પહેલા જ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાય તેવી શકયતા જાહેર કરી છે.
મોરબીના જેતપર ખાતે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલન બાબતે ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ અને ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડિયાએ સરકાર અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થી તરીકેની મહત્વની ભૂમિકા ભજવી છે. જગદીશભાઈ કોટડિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોની 24 જેટલી માંગણીઓ હતી, જે સંદર્ભે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. સરકારે તેમને બિનરાજકીય મધ્યસ્થી બનાવ્યા બાદ તેઓએ ખેડૂતો અને સરકાર સાથે બે મહિનાથી સતત વાટાઘાટો કરી હતી. આ પ્રયાસોના ભાગરૂપે અગાઉ ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ઊર્જા સચિવો સાથેની પ્રથમ બેઠકમાં જ ખેડૂતોના 21 જેટલા મુદ્દાઓનું ત્વરિત નિરાકરણ લાવી દેવામાં આવ્યું હતું.
ખેડૂતોના બાકી રહેલા 3 પડતર મુદ્દાઓ જેમાં મુખ્યત્વે કોરિડોર, ROW અને પાક નુકસાની અંગેની એમઆરસી કમિટીમાં ખેડૂત સભ્યને પ્રાધાન્ય આપવા બાબતે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, જગદીશભાઈ વિશ્વકર્મા અને રતાકરજી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને એક કલાકથી વધુ સમય સુધી ગહન ચર્ચા કરવામાં આવી હતી. ટેકનિકલ ટીમ સાથે બેસીને ભવિષ્યમાં પણ ખેડૂતોને અન્યાય ન થાય અને નાના પ્રશ્નો ઉભા ન થાય તેવો કાયમી ઉકેલ લાવવા સરકાર કટિબદ્ધ અને સંવેદનશીલ છે. જગદીશભાઈ કોટડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2 નવેમ્બર પછી સરકાર દ્વારા તેમને ફરી બોલાવવામાં આવશે અને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં એટલે કે દિવાળી પહેલા જ આ મુદ્દાઓનો 100 ટકા સુખદ અંત આવશે.
બીજી તરફ આ મામલે જેતપરના ખેડૂત આગેવાનોએ એવું નિવેદન આપ્યું છે કે 21 મુદાઓના નિરાક૨ણ અંગે અમને ખ્યાલ નથી. આમાં વિરોધાભાસી નિવેદનો આવતા ભારે ચર્ચા ઉઠી છે. બીજી તરફ જેતપરના ખેડુતોએ કહ્યું છે કે અમે રજૂઆતો પહોંચાડી દીધી છે. ટૂંક સમયમાં ફરી સરકાર સાથે બેઠક થવાની છે. તેમાં સરકાર શુ નિર્ણય લ્યે છે તેના પર મીટ છે

(10:07 PM IST)