તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રતિબંધ: આદેશ આગામી તા. 23 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે.
કુલ 21 સંવેદનશીલ ટાપુઓ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને પૂર્વ લેખિત મંજૂરી વગર પ્રવેશ પર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 21 સંવેદનશીલ ટાપુઓ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને પૂર્વ લેખિત મંજૂરી વગર પ્રવેશ પર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ આદેશ આગામી તા. 23 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે.
આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, દાણચોરી, નશીલા પદાર્થોની હેરાફેરી અને કોઈપણ પ્રકારની ગેરકાયદે અવરજવરને ડામવાનો છે. દ્વારકાનો દરિયાકાંઠો સરહદી અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નિર્જન ટાપુઓ પર હવે કોઈ પણ વ્યક્તિ મનસ્વી રીતે પહોંચી શકશે નહીં.
તંત્ર દ્વારા જે ટાપુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, આશાબાપીર ટાપુ અને ભૈદર ટાપુ સહિતના કુલ 21 સ્થળોનો સમાવેશ થાય છે. ધાર્મિક પ્રસંગો અથવા અન્ય કોઈ ખાસ કારણોસર ટાપુ પર જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ કે નાગરિકોએ હવે સ્થાનિક પ્રાંત અધિકારીની લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર હવે આ ટાપુઓ પર 24 કલાક એલર્ટ મોડમાં રહેશે. નિયમનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
