તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
કચ્છમાં શંકાસ્પદ પનીરનો ૨૦ કિલો જથ્થો નાશ કરાયો : ૩ નમૂના લેબમાં મોકલાયા
કોડાય ગામ, ડી. માર્ટ અને રિલાયન્સ મોલ સહિતની પેઢીઓમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી : સમગ્ર જિલ્લામાં ચેકિંગ ઝુંબેશની તૈયારી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે શરૂ કરવામાં આવેલી કડક ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આજરોજ માંડવી અને ભુજ તાલુકામાં ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એમ.એમ. પટેલ તથા શ્રી એસ.બી. પટેલની ટીમે વિવિધ હોટલો, ડેરી પ્રોડક્ટ્સના વિક્રેતાઓ તેમજ મોટા શોપિંગ મોલ્સ પર અચાનક દરોડા પાડી વ્યાપક તપાસ હાથ ધરી હતી.
ફૂડ સેફ્ટી તંત્રની ટીમ દ્વારા માંડવી તાલુકાના કોડાય ગામ સહિત વિવિધ વિસ્તારો તેમજ ભુજ તાલુકામાં આવેલી હોટલો, પનીર અને દૂધની બનાવટોનું વેચાણ કરતી પેઢીઓ તથા ‘ડી. માર્ટ’ અને ‘રિલાયન્સ’ જેવા મોટા સુપર સ્ટોર્સ અને મોલ્સમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સંગ્રહ અને નિયમોના પાલન અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.
*૨૦ કિલો પનીરના જથ્થાનો સ્થળ પર જ નાશ, ૩ સેમ્પલ લેવાયા*
તપાસ કામગીરી દરમિયાન માંડવી તાલુકામાંથી આરોગ્ય માટે અયોગ્ય અને શંકાસ્પદ જણાયેલા પનીરના ૩ નમૂના વધુ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવા માટે એકત્રિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સ્થળ પર મળી આવેલો અંદાજે ૨૦ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો તંત્ર દ્વારા તરત જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ કે ઉત્પાદકો સામે કડક વલણ અપનાવવામાં આવશે. સરકારી પ્રયોગશાળામાંથી લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, આગામી દિવસોમાં કચ્છ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે દરોડા અને ચેકિંગની કામગીરી નિરંતર ઝુંબેશરૂપે ચાલુ રાખવામાં આવશે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
