તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને જૂનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ૨ સાથે ૭૫.૩૬ લાખની છેતરપીંડી
ગાંધીનગરના શખ્સે વિઝા, ટયુશન ફી અને લીગલ ફંડ બતાવવાના બહાને વિશ્વાસઘાત કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ૨ સાથે ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને રૂપિયા ૭૫.૩૬ લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરના કોલવડ ગામના અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા નામના શખ્સ સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલા સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ રસીકભાઈ ધુલેશીયાના પુત્ર સોહીલ અને તેના મિત્ર હરેશભાઈ સાકરીયાના પુત્ર વિશ્વજીતને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે મોકલવા માટે વિઝા પ્રક્રિયા શરૂ કરી હતી.
આ માટે અજયસિંહ વાઘેલાએ પોતાની અમદાવાદ ખાતેની ઓફિસે તેઓને બોલાવ્યા હતા અને એડમિશન, વિઝા ફી, ટિકિટ તથા લીગલ ફંડના નામે રાકેશભાઈ પાસેથી રૂપિયા ૨૧,૨૯,૭૫૦ અને હરેશભાઈ પાસેથી રૂપિયા ૭૦,૪૩,૨૫૨ મળી કુલ રૂપિયા ૯૧,૭૩,૦૦૨ પડાવ્યા હતા.
લાંબો સમય વિત્યા છતાં વિઝા કે એડમિશન ન મળતાં તપાસ કરતા શખ્સ વાયદાઓ કરવા લાગ્યો હતો. ઉઘરાણી કરતા શખ્સે રાકેશભાઈને રૂપિયા ૧૧.૨૮ લાખ અને હરેશભાઈને રૂપિયા ૫,૦૮, ૯૫૭ પરત કર્યા હતા.
પરંતુ બાકી નીકળતા રાકેશભાઈના રૂપિયા ૧૦,૦૧,૭૫૦ અને હરેશભાઈના રૂપિયા ૬૫,૩૪,૨૯૫ મળી કુલ રૂપિયા ૭૫,૩૬,૦૪૫ પરત ન આપી ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
