તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
વિસાવદર પંથકમાં ૨, ભેસાણમાં ૧ ઇંચ, વંથલીમાં ૧૦ મીમી કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન
ખેતી પાકને નુકસાનની ભીતિ, સવારથી વાદળછાયું વાતાવરણ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૧ :.. જુનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ૨, ભેસાણમાં ૧ ઇંચ, વંથલીમાં ૧૦ મીમી કમોસમી વરસાદ થતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે અને ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી હોવાથી ધરતીપુત્રો મૂંઝવણમાં મુકાય ગયા છે. બીજી તરફ આજે સવારથી પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. છતાં હજુ બપોરે તો ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે બપોર બાદ ઓચિંતા વાતાવરણમાં પલટો આવતા મોસમી વરસાદ થયો હતો.
જુનાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સતાવળ આંકડા મુજબ આજે સવાર સુધીમાં જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ૨ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. વિસાવદરની સાથે સાથે વંથલી વિસ્તારમાં પણ ૧ ઇંચ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના જીવ ઉચ્ચક થઈ ગયા હતા.
આ બંને તાલુકાની સાથે સાથે વંથલી પંથકમાં ૧૦ મીમી, માણાવદરમાં ૧ મીમી અને મેંદરડા વિસ્તારમાં ૨ મીમી કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના મોંએ આવેલો કોળિયો ઝૂંટવાઈ જવાની દહેશત વ્યાપક બની છે. મોટાભાગના ખેતરોમાં મગફળીના પાથરા ખુલ્લામાં પડ્યા હોય તેથી તેના ઉપર વરસાદ પડતા પશુઓ માટેનો ચારો પણ બગડી જવાની શકયતા અમે કરી શકાતી નથી.
દરમિયાન આજે પણ સવારથી જુનાગઢ શહેર અને જિલ્લામાં ઉકળાટ અને બફારો વચ્ચે વાદળછાયું વાતાવરણ પ્રવર્તે છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
