<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

પાલિતાણાના સતુઆબાબા આશ્રમ દ્વારા ૧૮૨મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો : અત્યાર સુધીમાં મોતીયા અને વેલના હજારો દર્દીઓની સફળ શસ્ત્રક્રિયા

કાશી વિશ્વનાથ સતુઆ બાબા સંસ્થા અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે સેંકડો દર્દીઓને નિદાન-સારવારનો લાભ : શિબિરમાં દર્દીઓ માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ

ઈશ્વરિયા:ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ સતુઆબાબા આશ્રમ દ્વારા ૧૮૨મા વિનામૂલ્યે નેત્રયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાશી વિશ્વનાથ સતુઆ બાબા સંસ્થા દ્વારા યોજાતા આ નિયમિત નેત્રયજ્ઞમાં સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા આસપાસના સમગ્ર પંથકના આંખની બીમારીથી પીડાતા સેંકડો દર્દીઓને વિનામૂલ્યે નિદાન તેમજ સારવારનો લાભ મળી રહ્યો છે. ૨૮ જૂન ૨૦૨૬ અને રવિવારના રોજ યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા દર્દીઓની આંખોની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

અત્યાર સુધીમાં ૨૯ હજારથી વધુ દર્દીઓ લાભાન્વિત:

આ શિબિરના આયોજન અંગે માહિતી આપતા સંસ્થાના વડા ગિરીશભાઈ ગોધાણીએ જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ સતુઆ બાબા સંસ્થા દ્વારા યોજાતી આ પ્રવૃત્તિઓ અંતર્ગત અત્યાર સુધીમાં મોતીયાના આશરે ૨૪ હજાર જેટલા અને વેલના ૫ હજાર જેટલા દર્દીઓને નવું તેજ મળ્યું છે. આમ, સંસ્થા દ્વારા આજ દિન સુધીમાં કુલ ૨૯ હજારથી વધુ દર્દીઓની સફળ શસ્ત્રક્રિયા (ઓપરેશન) વિનામૂલ્યે કરી આપવામાં આવી છે. આ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ નેત્રયજ્ઞ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.

 

ભોજન પ્રસાદની વ્યવસ્થા અને અગ્રણીઓની ઉપસ્થિતિ:

સતુઆબાબા આશ્રમ ખાતે યોજાયેલી આ શિબિર દરમિયાન માત્ર તબીબી સારવાર જ નહીં, પરંતુ અહીં આવતા તમામ દર્દીઓ અને તેમની સાથે આવેલા પરિવારજનો માટે સંસ્થા દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માનવસેવાના ઉત્કૃષ્ટ કાર્ય પ્રસંગે દર્દીઓના સગા-સંબંધીઓ ઉપરાંત સંસ્થાના સમર્પિત કાર્યકર્તાઓ અને પાલિતાણા પંથકના સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:28 PM IST)