<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ધર્મ-જીવદયાનો ૧૬૦ વર્ષનો સંગમઃ ‘કલાપીનગરી' લાઠીમાં નાટકો ભજવીને ચણ ભેગી કરવાની પરંપરા

ધાર્મિક કાર્યની સાથે અબોલ જીવો પ્રત્‍યેની સંવેદના, સેવા અને પ્રેમનો અનોખો સંગમઃ મહાન સંત પૂ. શ્રી વસંતદાસજી બાપુએ સ્‍થાપેલા શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળનો અભૂતપૂર્વ નાટયોત્‍સવ

રાજકોટ તા.૮: ધાર્મિક કાર્યની સાથે જ્‍યારે અબોલ જીવો પ્રત્‍યેની સંવેદના, સેવા અને પ્રેમનો અનોખો સંગમ થાય ત્‍યારે એક અનેરો અવસર જન્‍મે છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા મહાન રાજવી કવિ સ્‍વ. સુરસિહજી તખ્‍તસિહજી ગોહિલ યાને કે ‘‘કવિ કલાપી''નાં ધામ એવા લાઠી ગામમાં આશરે દોઢસો વર્ષ કરતા પણ વધુ સમયથી દર વર્ષે નવરાત્રિ દરમિયાન એક એવું સંવેદનશીલ કાર્ય થાય છે જેનું ફળ સમગ્ર વર્ષ દરમિયાન અબોલ જીવ એવા ભોળા પંખીડાઓને મળતું રહે છે.

જેમાં પંખીડાઓ માટેની ચણ એકત્ર કરવા માટે માં શક્‍તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્‍સવની ઉજવણી વિવિધ નાટકોની પ્રસ્‍તુતિના માધ્‍યમથી કરવામાં આવતી રહી છે તે ખરેખર નવાઈ જન્‍માવે તેવી અને સમાજ માટે ખુબ જ પ્રેરક લાગે છે.

આ વાત છે અમરેલી જિલ્‍લાના ‘‘કલાપીનગર'' એટલે કે લાઠી ગામની. જ્‍યાં લુવારીયા દરવાજા પાસે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજીનાં મંદિર પાસે નવરાત્રિ દરમ્‍યાન દમિયાન શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દવારા પરંપરાગત નવરાત્રિ ઉત્‍સવના ગરબાની સાથોસાથ રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે.

છેલ્‍લા ૧૬૦ વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્‍સવનો સિલસિલો આ વર્ષે પણ આગળ ધપાવવામાં આવી રહ્યો છે અને આ વર્ષે તા. ૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૦/૧૦/૨૦૨૬ દરમ્‍યાન રોજ રાત્રે નાટકો પ્રસ્‍તુત કરવામાં આવશે.

આજથી લગભગ ૧૬૦ વર્ષ પૂર્વે લાઠી ગામનાં મહાન સંત પૂ. શ્રી વસંતદાસજી બાપુએ સ્‍થાપેલા શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દ્વારા આજે પણ આપણી સામાજિક-ધાર્મિક પરંપરા, ભવ્‍ય ઈતિહાસ, સંસ્‍કૃતિ અને સમાજ જીવનનું આબેહુબ પ્રતિબિબ ઝીલતા વૈવિધ્‍યસભર નાટ્‍ય પ્રયોગો થકી કલાપીની પક્ષી જગત પ્રત્‍યે પ્રેમ અને લાગણીને વાચા આપવામાં આવી રહી છે.

નાટકો દરમ્‍યાન રજુ થતી નિર્દોષ અને પારિવારિક એવી કોમેડી નાટિકાઓ લોકોમાં ખુબ જ ચાહના ધરાવે છે. રાજવી કવિ સ્‍વ. શ્રી સુરસિહજી તખ્‍તસિહજી ગોહિલ (કલાપી)નાં અભૂતપૂર્વ કાવ્‍યોએ પણ લાઠી ગામને જે જબરદસ્‍ત પ્રતિષ્ઠા અપાવી છે તે આજે પણ બરકરાર છે.

રાજાશાહી વખતથી શરુ કરાયેલો આ સિલસિલો આજે દોઢ સદીથી અવિરત ચાલ્‍યો આવે છે ને તેને આગળ ધપાવવામાં લગભગ અનેક પેઢીઓ બદલી ગઈ છે. જુની પેઢીનાં કલાકારો દ્વારા નવી પેઢીના કલાકારોને અવિરત મળી રહેલા માર્ગદર્શનના પરિણામે આજે પણ આ નવરાત્રિ ઉત્‍સવનો મૂળભૂત સેવાકીય  હેતુ યથાવત જળવાઈ રહ્યો છે. નાટક મંડળનાં સભ્‍યો દ્વારા વ્‍યક્‍તિગત પ્રશસ્‍તિની કદીપણ ખેવના કરવામાં આવતી નથી તે આજના જમાનામાં ખરેખર આヘર્ય જન્‍માવે છે. આ નાટ્‍ય ઉત્‍સવ નિહાળવા અનેક ગામો-શહેરોમાંથી લાઠીની મુલાકાતે આવતા લોકો અને સ્‍થાનિક લોકો તરફથી પંખીની ચણ માટે અનાજ કે રોકડ રકમનું દાન આપવાની ઘોષણા થતી હોય છે, ને આવી જાહેરાત કરનાર દાતાઓ-શ્રદ્ધાળુઓ પાસેથી નાટક મંડળના સભ્‍યો મકર સંક્રાંતિનાં પાવન પર્વના દિવસે અનાજ એકત્ર કરે છે.

આ એક જ દિવસમાં પંખીડાઓને આખું વર્ષ ચણ નાખી શકાય એટલા મોટા જથ્‍થામાં અનાજ એકઠું થાય છે. લાઠીની મેઈન બજારનાં મુખ્‍ય માર્ગ પર લુવારીયા દરવાજા પાસે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરે નાટક મંડળનાં સભ્‍યો આખું વર્ષ પંખીડાઓને ચણ નાખતા રહે છે.

દર વર્ષે શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળના ૬૦ જેટલા સભ્‍યો શ્રાવણ માસથી જ નાટ્‍ય પર્વની વિભિન્ન તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. સમગ્ર આયોજનને પ્રચાર માધ્‍યમો, સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર ઓફીસ, પોલીસ ડીપાર્ટમેન્‍ટ, નગરપાલિકા વગેરે તેમજ ઉદ્યોગપતિઓ, વ્‍યાપારી સમુદાય તથા સ્‍થાનિક જનસમુદાયનો પુરો સાથ સહકાર મળી રહે છે.

આ તકે એ ખાસ ઉલ્‍લેખ કરવો રહ્યો કે, લાઠીનાં પૂ. સંતશ્રી વસંતદાસજી બાપુની સમાધી ગરબી ચોક પાસે જ છે ને ત્‍યાં શ્રી રામજી મંદિર પણ છે. સંતશ્રી વસંદાબાપુ કેવું દૈવી જીવન જીવી ગયા તેનો ભવ્‍ય ભૂતકાળ પણ જાણવા જેવો છે. નવરાત્રિમાં નાટકો વધુ ચોટદાર રીતે રજુ થાય અને લોકોનાં હૃદયને સ્‍પર્શી જાય તેવી રીતે તેનું મંચન કરવામાં વડીલ સભ્‍યોનું યોગદાન દાદ માંગી લે તેવું છે જે બદલ તમામ યુવા સભ્‍યો વડીલોનો આદર સાથે ઋણ સ્‍વીકાર કરે છે. દર્શકો માટેની બેઠક વ્‍યવસ્‍થામાં મહિલા વર્ગ માટે અલાયદી જગ્‍યા ફાળવવા આવે છે.

ક્‍યારે ક્‍યું નાટક

૧૧/ ૧૦ / ૨૦૨૬ ને રવિવાર વીર બાવાવાળો

૧૨/ ૧૦ / ૨૦૨૬ ને સોમવાર રણુજા ના રાજા રામદેવપીર

૧૩/ ૧૦ / ૨૦૨૬ ને મંગળવાર રા' નવઘણ

૧૪/ ૧૦ / ૨૦૨૬ ને બુઘવાર અમર દેવીદાસ

૧૫/ ૧૦ / ૨૦૨૬ ને ગુરૂવાર ઘર ઘૂંઘટ ને ઘરચોળું

૧૬/ ૧૦ / ૨૦૨૬ ને શુકવાર રાજા ભરથરી

૧૭/ ૧૦ / ૨૦૨૬ ને શનિવાર સોમનાથ ની સખાતે

૧૮/ ૧૦ / ૨૦૨૬ ને રવિવાર વીર માંગડાવાળો

૧૯/ ૧૦ / ૨૦૨૬ ને સોમવાર જોગીદાસ ખુમાણ

૨૦/ ૧૦ / ૨૦૨૬ ને મંગળવાર કાશ્‍મીર ના મોરચે

(10:51 AM IST)