<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

જામનગરના ગોકુલનગરમાં ૧૬ વર્ષની કિશોરીનો ગળેફાંસો ખાઈ આપઘાત: પોલીસ તપાસ શરૂ

સોમનાથ સોસાયટીમાં રહેતી વિદ્યાબાએ ઘરના બાથરૂમમાં ચુંદડી બાંધી જીવન ટૂંકાવ્યું: સિટી-સી ડિવિઝન પોલીસે BNSS કલમ ૧૯૪ હેઠળ નોંધ કરી, અગમ્ય કારણની આશંકા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૮ : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં ૧૬ વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

 

મળતી માહિતી મુજબ, ગોકુલનગર સોમનાથ સોસાયટી, શેરી નં. ૨માં રહેતી વિદ્યાબા (ઉં.વ. ૧૬) એ ગઈકાલ તા. ૧૭/૦૪/૨૦૨૬ના રોજ રાત્રે અંદાજે ૧૦.૦૦ વાગ્યાના આસપાસ પોતાના ઘરે બાથરૂમમાં પાઇપ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

 

પરિવારજનોએ બનાવની જાણ થતાં તાત્કાલિક સિટી-સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ ઘટના અંગે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવી છે.

 

પોલીસ દ્વારા બનાવના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે કોઈ અગમ્ય કારણોસર આ બનાવ બન્યો હોવાનું અનુમાન છે.

(11:38 AM IST)