<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સંપન્ન : પદ્મશ્રી ડો. રતિલાલ બોરીસાગર સહિત પાંચ શિક્ષણવિદો અને ૩૫ જિલ્લાના શિક્ષકોનું ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ભાવપૂજન કરાયું

એઆઈના જમાનામાં માહિતી સુલભ બની છે પરંતુ વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ, સાચી દિશા અને લક્ષ્ય આપવાનું કામ ગુરુજનો જ કરી શકે - ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું પ્રેરણાદાયી વક્તવ્ય

પોરબંદર: સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રાતઃ વેળાએ ૧૫મો સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ અત્યંત ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો. સાંદીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા અને રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા (પૂજ્ય ભાઈશ્રી) ની દિવ્ય પ્રેરણાથી વર્ષ ૨૦૧૦ થી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતો તથા પ્રાથમિક-માધ્યમિક શાળામાં નવાચારથી કામ કરતા શિક્ષકોનું ભાવપૂજન કરવામાં આવે છે. આ શ્રેણીમાં આ વર્ષે પાંચ વિશિષ્ટ મહાનુભાવો અને ગુજરાતના તમામ જિલ્લાના ૩૫ ઉત્કૃષ્ટ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહનો પ્રારંભ પૂજ્ય ભાઈશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય અને ઋષિકુમારોના વૈદિકસૂક્ત પાઠ સાથે થયો હતો. એવોર્ડ ચયન સમિતિના સભ્ય પાર્થેશભાઈ પંડ્યાએ અનોખી શૈલીમાં શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે ચયન સમિતિના અધ્યક્ષ શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડે કાર્યક્રમની પ્રસ્તાવના અને ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિડીયો સંદેશ મારફતે તમામ એવોર્ડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

પાંચ શ્રેષ્ઠ શિક્ષણવિદોનું વિશિષ્ટ સન્માન:

૧. લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ: ગુજરાતી હાસ્ય સાહિત્યના સર્જક અને પદ્મશ્રી ડો. રતિલાલ બોરીસાગર (વિદ્યાગુરુ ફાઉન્ડેશન)

૨. શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ: નાટ્ય દ્વારા શિક્ષણનો માર્ગ પ્રશસ્ત કરનાર થીયેટર ઇન એજ્યુકેશનના પ્રણેતા ડો. વિજય સેવક

૩. ઉત્તમોત્તમ વિદ્યામંદિર એવોર્ડ: શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવા આપતા મુનિ સેવા આશ્રમ, ગોરજ

૪. શિક્ષણ-પ્રશિક્ષણ સારસ્વત સન્માન: સંસ્કૃત ભાષાનો પ્રચાર કરનાર બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પૂર્વ પ્રાચાર્ય ડો. કૃષ્ણપ્રસાદ નીરૌલાજી

૫. શિક્ષણ-પ્રશિક્ષણ સારસ્વત સન્માન: ડાયેટ સુરેન્દ્રનગરના પ્રાચાર્ય ડો. સી.ટી. ટૂંડિયા

એવોર્ડ અર્પણ સમયે સન્માનપત્રનું વાંચન શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકો દ્વારા કરાયું હતું. સન્માન સ્વીકારતા ડો. રતિલાલ બોરીસાગરે જણાવ્યું હતું કે, સરસ્વતી સેવાની આ યાત્રામાં તેમણે હંમેશા વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને કાર્ય કર્યું છે.

૩૫ જિલ્લાના શિક્ષકોનું સન્માન અને પૂજ્ય ભાઈશ્રીનું વક્તવ્ય:

પોતાની શાળાને સમુદાય સાથે જોડીને શૈક્ષણિક બદલાવ લાવનાર ગુજરાતના તમામ ૩૫ જિલ્લાના આચાર્યો અને શિક્ષકોનું પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા ભાવપૂજન કરાયું હતું.

આ પ્રસંગે આશીર્વચન આપતાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ (AI) ના આધુનિક યુગમાં માહિતી સરળતાથી મળી રહે છે અને બાળક પોતે ઘણું શીખી લે છે, પરંતુ શું શીખવું અને પ્રાપ્ત જ્ઞાનનો કેવો ઉપયોગ કરવો તે માર્ગદર્શન શિક્ષકે આપવું પડશે. એઆઈ માહિતી આપી શકે પણ ચારિત્ર્ય નિર્માણ તો ગુરુજનો જ કરી શકે. ગતિ તો સોશિયલ મીડિયા અને ટેકનોલોજી આપે છે, પરંતુ જીવનને સાચી દિશા અને લક્ષ્ય આપવાનું કામ શિક્ષકનું છે. તેમણે ઉમેર્યું કે દુનિયાના ધનિકો કે વિજેતાઓને લોકો ભૂલી જાય પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકનું નામ દરેક વ્યક્તિને આજીવન યાદ રહે છે. અંદરથી શિક્ષક અને સૈનિક હોય તે ક્યારેય નિવૃત્ત થતા નથી.

કાર્યક્રમના અંતે એવોર્ડ ચયન સમિતિના સભ્ય અરજણભાઈ કાનગડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે એવોર્ડ ચયન સમિતિના અતુલભાઈ પંડ્યા, ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ, દેવભૂમિ દ્વારકાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટ, સાંદીપનિ પરિવારના ટ્રસ્ટીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)

(8:25 PM IST)