News of Monday, 3rd August 2026
ટંકારાના જીવાપરમાં ૧૪ વર્ષના પ્રદિપને તેના જ વતનના શખ્સોએ માર મારી દવા પાઇ દીધી!
મુળ મધ્યપ્રદેશના સગીરના માતા-ભાઇઓ ગોંડલ મોટો ભાઇ હોસ્પિટલમાં દાખલ હોઇ ખબર કાઢવા ગયા ત્યારે બનાવઃ બેભાન હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો

રાજકોટ તા. ૩: ટંકારાના જીવાપર ગામે વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના પરિવારના ૧૪ વર્ષના પુત્રને વાડીએ એકલો હતો ત્યારે તેના જ વતનના બે શખ્સોએ આવી માર મારી ઝેરી દવા પાઇ દેતાં સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ ટંકારાના જીવાપર ગામે આવેલી અબુભાઇની વાડીમાં રહેતાં પ્રદિપ દુતીયાભાઇ વસુનીયા (ઉ.વ.૧૪)ને ગઇકાલે સાંજે છએક વાગ્યે વાડીએ હતો ત્યારે રાકેશ અને સુર્યા નામના નજીકની વાડીમાં રહેતાં મુળ એમપીના બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ઝેરી દવા પાઇ દેતાં સારવાર માટે મોરબી અને ત્યાંથી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી છે.
પ્રદિપ ત્રણ બહેન અને છ ભાઇમાં નાનો છે. તેના પિતા હયાત નથી. પોતે માતા, ભાઇઓ, બહેનો સાથે જીવાપર રહે છે. પ્રદિપના કુટુંબીજનોએ જણાવ્યું હતું કે મોટો દિકરો ગોંડલ રહી મજુરી કરતો હોઇ તે બિમાર હોઇ દવાખાનામાં દાખલ કર્યો હોવાથી માતા, ભાઇઓ સહિતના ત્યાં ખબર કાઢવા ગયા હતાં. આ વખતે પ્રદિપ વાડીના મકાને એકલો હતો. તેણે ફોન કરીને માતા-ભાઇને જણાવ્યું હતું કે રાકેશ અને સુર્યાએ વાડીએ આવી મને માર્યો છે અને ડબલામાં ઝેરી દવા હતી તે પીવડાવી દીધી છે. આ વાત સાંભળી બધા તાત્કાલીન જીવાપર પહોંચ્યા હતાં. પ્રદિપને મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયો છે. તે બેભાન હોઇ ખરેખર શું બન્યું તે જાણી શકાયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
