<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

૧૩૪ વર્ષની પરંપરાઃ બાબરામાં જામ્‍યુ રામ-રાવણનું યુધ્‍ધ

મહાકાળી ગરબી મંડળ આયોજીત અનોખા યુધ્‍ધને નિહાળવા જનમેદની ઉમટીઃ શ્રીરામ ભગવાનના હસ્‍તે રાવણનો વધ

(દીપક કનૈયા દ્વારા) બાબરા તા.૨૦: અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ધાર્મિક આસ્‍થા, પૌરાણિક પરંપરા અને સંસ્‍કળતિનો અનોખો સંગમ જોવા મળશે. બાબરા શહેરના મોટા રામજી મંદિર ખાતે આવેલ મહાકાળી ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૩૪ વર્ષથી પરંપરાગત રીતે યોજાતું ઐતિહાસિક રામ-રાવણ યુદ્ધ આજે યોજાયુ છે. આ અનોખી પરંપરાને નિહાળવા માટે બાબરા શહેર સહિત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડયા છે.. ખાસ કરીને બાબરાની મુખ્‍ય બજારમાં આ યુદ્ધને લઈને ભારે ઉત્‍સાહ અને ધાર્મિક માહોલ જોવા મળ્‍યો છે. સવારે બાબરાના મોટા રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને હનુમાનજીની આગેવાનીમાં પરંપરાગત કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્‍યારબાદ પાત્રો સાથે શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થતી યાત્રા બાબરાના રાજમાર્ગો પર ધાર્મિક માહોલ સજાયો છે.

યાત્રા દરમિયાન ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી અને લંકેશ રાવણનાં પાત્રો આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે. પરંપરાગત વેશભૂષા અને પાત્રોની રજૂઆતને નિહાળવા માટે રસ્‍તાઓ પર લોકોની ભીડ જોવા મળી છે.

બાળકો, યુવાનો અને વડીલો સહિત તમામ વયના લોકો આ પરંપરાગત આયોજનમાં ઉત્‍સાહપૂર્વક જોડાયા છે.

આ ઐતિહાસિક યુદ્ધમાં હનુમાનજી, રાવણ અને લીંબડી રાવણની ભૂમિકાઓ વિશેષ મહત્ત્વ ધરાવે છે. પરંપરા મુજબ હનુમાનજીની ગદાના પ્રતીકાત્‍મક સ્‍પર્શ માટે લોકોમાં ઉત્‍સુકતા જોવા મળે છે, જ્‍યારે લીંબડી રાવણના ધોકાના પ્રતીકાત્‍મક પ્રસંગમાં પણ લોકો મોટી સંખ્‍યામાં જોડાય છે.

આ સમગ્ર કાર્યક્રમના અંતિમ તબક્કામાં બાબરાની મુખ્‍ય બજારમાં ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી, હનુમાનજી તથા લંકેશ રાવણ વચ્‍ચેનું ભવ્‍ય યુદ્ધ રજૂ કરવામાં આવશે. યુદ્ધના અંતે ભગવાન શ્રીરામના હસ્‍તે લંકેશ રાવણનો વધ થતાં અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપવામાં આવશે.

આજના આધુનિક યુગમાં પણ બાબરા શહેરમાં ૧૩૪ વર્ષથી ચાલી આવતી આ પરંપરા લોકસંસ્‍કળતિના જતનનું ઉત્તમ ઉદાહરણ છે. ધાર્મિક શ્રદ્ધા સાથે સામૂહિક એકતા, સંસ્‍કાર અને સાંસ્‍કળતિક વારસાને જીવંત રાખતો આ કાર્યક્રમ બાબરાની આગવી ઓળખને વધુ મજબૂત બનાવે છે.

મહાકાળી ગરબી મંડળના આ આયોજન થકી વર્ષોથી ચાલી આવતી પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભગવાન શ્રીરામના વિજયના આ પ્રસંગે બાબરા શહેર ફરી એકવાર રામભક્‍તિ અને ધાર્મિક ઉત્‍સાહના રંગે રંગાશે

(1:01 PM IST)