News of Monday, 22nd June 2026
જામનગર જિલ્લામાં 12માં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી: તમામ તાલુકાઓમાં યોગ શિબિરો, બેનર પ્રદર્શન અને જનજાગૃતિ અભિયાન
“Yoga for Healthy Ageing” થીમ સાથે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ; આયુષ દવાખાનાઓના ડોકટરોએ કોમન યોગા પ્રોટોકોલ મુજબ તાલીમ આપી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૨ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરીની સૂચના અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી, જામનગર દ્વારા 12મા વિશ્વ યોગ દિવસની જિલ્લાભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વર્ષે "YOGA FOR HEALTHY AGEING" વૈશ્વિક થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના નિયંત્રણ હેઠળ કાર્યરત 8 આયુર્વેદ અને 4 હોમિયોપેથી દવાખાનાઓ દ્વારા જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વિશેષ યોગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાલિન્દી સ્કૂલ, રાજકુમાર શૈક્ષણિક સંકુલ, લતીપુર હાઇસ્કુલ, તાલુકા શાળા નાના વડાળા, તાલુકા શાળા મેઘપર, વાસજાળીયા પ્રાથમિક શાળા, શ્રી વિનય મંદિર હાઈસ્કૂલ અને ધુંવાવ જેવા સ્થળોએ મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા.
આ તમામ સ્થળોએ સંબંધિત દવાખાનાના મેડિકલ ઓફિસરશ્રીઓ દ્વારા ઉપસ્થિત નાગરિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને "કોમન યોગા પ્રોટોકોલ" મુજબ સુક્ષ્મ ક્રિયાઓ, વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો સઘન અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ તકે તબીબો દ્વારા ઉપસ્થિત જનમેદનીને દૈનિક જીવનમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે યોગનું મહત્વ અને તેની ઉપયોગીતા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોગાસન અને આયુષ ઉપચારો અંગેની માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ યોગાસનોની વિવિધ મુદ્રાઓ અને તેના ફાયદાઓ દર્શાવતા વિશેષ બેનરોનું પ્રદર્શન કરી બહોળો પ્રચાર-પ્રસાર કરાયો હતો. જામનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકો તેમજ ભાઈઓ-બહેનોએ આ તમામ યોગ શિબિરોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વાસ્થ્યવર્ધક લાભ મેળવ્યો હતો.
આ ઉજવણીથી જામનગર જિલ્લાના લોકોમાં યોગ પ્રત્યે રસ વધ્યો અને તંદુરસ્ત વૃદ્ધાવસ્થા માટે યોગની ભૂમિકા સમજવામાં મદ મળી હતી.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
