તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
સિહોર સ્થિત સર્વોત્તમ ડેરી સંકુલ ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી સંપન્ન
સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષીના સચોટ આયોજન અને માર્ગદર્શન હેઠળ ડેરીના અધિકારીઓ તથા કર્મચારીઓએ “સ્વસ્થ જીવન માટે યોગ” થીમ સાથે કર્યા સામૂહિક યોગાસનો

સિહોર (ભાવનગર):સમગ્ર વિશ્વની સાથે તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભાવનગર-રાજકોટ હાઇવે પર મુ. સિહોર ખાતે આવેલી જિલ્લા કક્ષાની અગ્રણી સહકારી સંસ્થા 'શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ' (સર્વોત્તમ ડેરી) ના વિશાળ સંકુલમાં યોગ દિવસના વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષીના સુદ્રઢ આયોજન અને પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડેરીના ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ વિભાગના કર્મચારીઓએ ખૂબ જ બહોળી સંખ્યામાં અને ઉત્સાહપૂર્વક હાજર રહીને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
આ પવિત્ર અને આરોગ્યપ્રદ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે “ૐ” ધ્વનિ મંત્રના ઉચ્ચારણ સાથે વાતાવરણને દિવ્ય બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, શરીરને સશક્ત બનાવતી અલગ-અલગ કસરતો તેમજ શારીરિક-માનસિક શાંતિ આપતા વિવિધ યોગાસનો ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યા હતા. આ વર્ષે “સ્વસ્થ જીવન માટે યોગ” ની વિશેષ થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંસ્થાના દરેક કર્મચારીના જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા લાવવાનો હતો.
આ અવસરે સંબોધન અને સંદેશ આપતા સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષીએ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વહેલી સવારે હાજર રહીને અત્યંત ઉત્સાહજનક રીતે યોગ કરવા બદલ ડેરી પરિવારના દરેક સભ્યોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને તંદુરસ્ત જીવનની શુભેચ્છા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યોગ એ માત્ર એક દિવસ પૂરતો મનાવવાનો ઉત્સવ નથી, પરંતુ તેને આપણી રોજિંદી જીવનશૈલીનો એક કાયમી ભાગ બનાવવાનો છે. આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોની ખરાબ જીવનશૈલીના કારણે થતી ગંભીર પ્રકારની બીમારીઓ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે નિયમિત યોગ કરવા અત્યંત અનિવાર્ય છે, જેનાથી આપણું તન, મન તેમજ સમગ્ર સ્વાસ્થ્ય ઉત્કૃષ્ટ રહે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, યોગ એ આપણા દેશના મહાન ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી એક અમૂલ્ય ભેટ છે અને ભારત દેશે સંપૂર્ણ વિશ્વને આપેલી એક મહાન સનાતન દેન છે. આથી, આપણે આ ગૌરવશાળી સંસ્કૃતિના ભાગ રૂપે દૈનિક સ્વરૂપે આપણા ઘરોમાં યોગ કરવા જ જોઈએ જેથી લાંબુ અને નિરોગી જીવન જીવી શકાય. અત્રે નોંધનીય છે કે, ભાવનગર જિલ્લાની આ ટોચની સહકારી સંસ્થા સર્વોત્તમ ડેરી દ્વારા દર વર્ષે નિયમિત અને ઉત્સાહપૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંસ્થા પશુપાલકો અને ખેડૂતોના હિતમાં શ્વેતક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, આરોગ્ય ક્રાંતિ તેમજ આનુવાંશિક ક્રાંતિ લાવવાની સાથે-સાથે આ પ્રકારની તમામ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરીઓ અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં હંમેશા સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહે છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
