News of Thursday, 26th November 2026
જામનગર અમૃતસર ઈકોનોમિક કોરિડોરના માળિયા પીપળીયા લિંક રોડ અપગ્રેડેશન માટે ૧,૧૮૨.૪૦ કરોડ મંજૂર
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા નવા સૂચિત લિંક રોડથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગોને થશે મોટો ફાયદો : સાંસદ વિનોદભાઈ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : જામનગર અમૃતસર ઈકોનોમિક કોરિડોર અંતર્ગત ગુજરાતના મોરબી જિલ્લામાં માળિયા અને પીપળીયા વચ્ચેના નેશનલ હાઈવે-૧૫૧એના ૨૪.૫૧ કિલોમીટરના મહત્વપૂર્ણ રોડ લિંકના અપગ્રેડેશન માટે ભારત સરકાર દ્વારા રૂ. ૧,૧૮૨.૪૦ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
દેશના સર્વાંગી વિકાસ અને આર્થિક પ્રગતિમાં માળખાગત સુવિધાઓનું વિશેષ મહત્ત્વ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રોડ અને હાઈવેના નેટવર્કને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ગુજરાતમાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ નવા સૂચિત રોડ લિંકના વિકાસથી માળિયા, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને વધુ સારી રોડ કનેક્ટિવિટીનો લાભ મળશે. આ ઉપરાંત ઉદ્યોગો, વેપાર-ધંધા, પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ મળશે તથા સ્થાનિક રોજગારી અને આર્થિક વિકાસની નવી તકોનું નિર્માણ થશે. ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ સહિત સમગ્ર વિસ્તારના વેપાર-ઉદ્યોગ માટે આ રોડ લિંક અત્યંત ઉપયોગી સાબિત થશે. માલસામાનની હેરફેર વધુ ઝડપી, સરળ અને સુગમ બનશે, જેના પરિણામે સમગ્ર વિસ્તારના વિકાસને નવી દિશા મળશે.
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી તથા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો સાંસદ વિનોદભાઈ ચાવડાએ હૃદયપૂર્વક આભાર અને અભિનંદન વ્યક્ત કર્યા છે. આ પ્રોજેક્ટ ગુજરાતના માળખાગત વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે અને વિકસિત ગુજરાત તથા વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
