તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
મોરબીમાં આંતરરાજય સાયબર ફ્રોડમાં શહેર ભાજપના પૂર્વ મંત્રીના પુત્ર સહિત ૧૧ સામે ગુન્હો નોંધાયો
બેંક એકાઉન્ટ ભાડે આપનાર પ શખ્સોની ધરપકડઃ બેન્ક એકાઉન્ટમાં ૭.ર૬ કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩: મોરબી સાયબર ક્રાઈમ પોલીસે દેશભરમાં ઓનલાઈન છેતરપિંડી આચરીને કરોડો રૂપિયા સગેવગે કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરી ૧૧ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર શહેર ભાજપના પૂર્વ મંત્રીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. વધુમાં સાયબર ક્રાઈમ પોલીસે એકાઉન્ટ ભાડે આપનાર ૫ લોકોની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના બનાવો અટકાવવા પોલીસ દ્વારા “SAMANVAYA” અને “NCCRP” પોર્ટલ પર આવેલી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ના સમયગાળામાં અલગ અલગ રાજ્યોના લોકો સાથે સાયબર ફ્રોડ આચરીને નાણાં મેળવવામાં આવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૩(૫) ને ૬૧ (૨) મુજબ તા ૦૨/૧૧/૨૦૨૬ ના રોજ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોર્ટલ પર કુલ ૪૧ જેટલી ફરિયાદો અને અરજીઓ નોંધાઈ છે, જેમાં ૧,૩૪,૫૩,૭૯૬ રૂપિયાના ફ્રોડના ટ્રાન્ઝેક્શનની હકીકત સામે આવી છે.
મુખ્ય કાવતરાખોરો દ્વારા મોરબીના નાના અને આર્થિક જરૂરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરી નજીવા કમિશનની લાલચ આપી ૨૨ જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. આ એકાઉન્ટમાં ૭,૨૬,૨૦,૨૬૬ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હતા, જે નાણાં UPI ID, IMPS અને RTGS મારફતે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રોકડમાં ઉપાડી લેવામાં આવતા હતા. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમોએ ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સની મદદથી ૫ બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં હિતેશ મોહનભાઈ પૈજા (ઉ.વ. ૪૬), ભાવેશ પ્રાણલાલ રામાવત (ઉ.વ. ૪૮), બળવંતભાઈ દેવશીભાઈ વામજા (ઉ.વ. ૫૩), પ્રકાશભાઈ નર્મદાશંક૨ભાઈ જોશી અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા (ઉ.વ. ૫૧) નો સમાવેશ થાય છે.
આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચેતનભાઈ કિશોરભાઈ પલાણ જે શહેર ભાજપ પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન પલાણનો પુત્ર છે. તે ઉપરાંત રાજુભાઈ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી, ભરતભાઈ બારડ ઉર્ફે ભરત રાવળ, કિરણભાઈ કાંતિભાઈ પરમાર, કાંતિભાઈ તરશીભાઈ પરમાર અને સુરેશભાઈ કાંતિભાઈ પરમારને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ નજીવા આર્થિક લાભ માટે પોતાના બેન્ક ખાતા અન્યને વાપરવા આપવા જોઈએ નહીં. તેમજ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી કે વ્યક્તિગત માહિતી શેર ન કરવા અને ‘તમારી સાવધાની એ જ તમારી સાયબર સુરક્ષા છે' તેવી અપીલ કરવામાં આવી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
