તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
જામનગરમાં 108ની ટીમે પાથરી માનવતાની મહેક! કાચા રસ્તે એમ્બ્યુલન્સ ન પહોંચી તો ખેતરમાં જ કરાવી સુરક્ષિત પ્રસૂતિ, ખાટલામાં ઊંચકીને માતા-શિશુને બચાવ્યા
લાલપુરના ગલા ગામે કાદવ-કીચડ વચ્ચે 800 મીટર સુધી ખાટલામાં સુવડાવી માતા અને નવજાત બાળકને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા, 108ની સમયસૂચકતાની ચારેય તરફ પ્રશંસા

જામનગર : '108' એટલે જીવનદાતા... આ વાત જામનગર જિલ્લામાં ફરી એકવાર સાચી સાબિત થઈ છે. એક તરફ ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ છે અને ચોતરફ મુશ્કેલીઓનો માહોલ છે, ત્યારે લાલપુર તાલુકાના ગલા ગામે ઈમરજન્સી સેવા 108ની ટીમે પોતાની સૂઝબૂઝ અને અસાધારણ સમર્પણ ભાવનાથી એક નવી જિંદગીને આ દુનિયામાં સુરક્ષિત લાવવામાં સફળતા મેળવી છે.
ઘટનાની વિગત એવી છે કે, ગલા ગામના વાડી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય રાધાબેન સુરેશભાઈ વાજેલિયાને અચાનક અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડી હતી. પરિવારે તાત્કાલિક 108ને કોલ કર્યો, પરંતુ વાડી વિસ્તારમાં પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકે તેમ નહોતી. સ્થિતિની ગંભીરતા જોઈને 108ની ટીમે સમય ગુમાવ્યા વગર ગાડી અડધે રસ્તે ઊભી રાખી ખેતરોમાંથી ચાલીને જવાનો સાહસિક નિર્ણય લીધો હતો.
વાડીમાં પહોંચ્યા બાદ પ્રસૂતાની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી ઈ.એમ.ટી. (EMT) સુરક્ષાબા ઝાલાએ જરાય વિલંબ કર્યા વિના પોતાની કુશળતાથી ખેતરમાં જ સફળ અને સુરક્ષિત ડિલિવરી કરાવી હતી. પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે મોટો પડકાર ઉભો થયો હતો.
ત્યારે 108ના કર્મીઓ અને સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલ સંજોગો વચ્ચે માતા અને બાળકને ખાટલામાં સુવડાવીને લગભગ 800 મીટર સુધી ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. ત્યારબાદ પાયલોટ ધવલભાઈ કણજારીયાએ તાત્કાલિક ગાડી હંકારી માતા-શિશુને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા. 108ની ટીમની આ તત્પરતા અને દેવદૂત સમાન કામગીરીની આજે સમગ્ર જામનગર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
