તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
ધ્રોલમાં ઇનોવા કારમાંથી ૧,૦૬૮ બોટલ વિદેશી દારૂ ઝડપાયો
રૂ. ૬.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયોઃ અન્ય બેની શોધખોળ

(સંજય ડાંગર- મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ- જામનગર તા.૨૩: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને જામનગર ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા, હરદેવસિંહ જાડેજા અને કલ્પેશભાઈ કામરીયાને બાતમી મળી હતી કે જોડિયા-ભાદરા પાટિયા તરફથી ઇનોવા કારમાં વિદેશી દારૂ ભરી જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે હરધ્રોલ હાઇસ્કૂલ સામે વોચ ગોઠવી ઇનોવા કાર નંબર જીજે-૧૦-વાય-૯૪૧૦ રોકી તપાસ કરતાં રૂ. ૨,૫૧,૪૩૬ની કિંમતની દારૂ અને બિયરની ૧,૦૬૮ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. ૩,૫૦,૦૦૦ની ઇનોવા કાર અને રૂ. ૫,૦૦૦નો મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૬,૦૬,૪૩૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે જામનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય કારચાલક પ્રેમભારથી ભીખુભારથી ગોસાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ મોકલનાર તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાના જનકસિંહ કિરીટસિંહ ઝાલા અને દારૂ મંગાવનાર તરીકે જામનગરના જીતેન્દ્રભાઈ મનસુખભાઈ વિઠલાણીનાં નામ સામે આવ્યાં છે. બંનેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.
આ કામગીરી ધ્રોલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, હરદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા, નાગજીભાઈ ગમારા, સંજયભાઈ સોલંકી અને ભગીરથસિંહ જાડેજાની ટીમે કરી હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
