<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

જામનગરના મોટી ખાવડી પાસે 102 LPG ટેન્કરો રોકી ‘જીવતા સળગાવી દઈશું’ની ધમકી, ડ્રાઇવર પાસેથી ₹2000 પડાવ્યા; 3 શખ્સો સામે ગુનો

શિવ હોટલ નજીક 4 કલાક અવરોધ, BPCLના મેનેજરની ફરિયાદ બાદ મેઘપર પોલીસની કાર્યવાહી; 1836 ટન ગેસ પુરવઠો ખોરવાયો, દસ્તાવેજો આંચકી લીધાનો આક્ષેપ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫  : જામનગર તાલુકાના મોટી ખાવડી વિસ્તારમાં LPG ગેસ ભરવા જતા ટેન્કરોને રોકી ડ્રાઇવર-ખલાસીઓને ધમકી આપી રૂપિયા પડાવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

 

ભારત પેટ્રોલિયમ કંપનીના ચીફ મેનેજર કે. સંધિલકુમાર કૃષ્ણમૂર્તિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 14 મેના રોજ સવારે 9:30 થી બપોરે 1:30 દરમિયાન મોટી ખાવડી ખાતે શિવ હોટલ નજીક આશરે 102 ખાલી LPG ટેન્કરોને ગેસ ભરવા જતા રોકી દેવાયા હતા. આ ટેન્કરોમાં અંદાજે 1836 ટન ગેસ ભરાવાનો હતો.

 

ફરિયાદમાં આક્ષેપ છે કે ચાંપા બેરાજાના કિશોરસિંહ ગગુભા જાડેજા, મોટી ખાવડીના જુવાનસિંહ મહોબતસિંહ જાડેજા તથા ભાતેલ ગામના મહેન્દ્રસિંહ જીતુભા જાડેજાએ મળીને ટેન્કર ડ્રાઇવરોને ગાળો આપી ધમકાવ્યા હતા. આરોપીઓએ ડ્રાઇવરોને ટેન્કરમાંથી બળજબરીથી નીચે ઉતારી ગેરકાયદેસર અવરોધ ઉભો કર્યો હતો. 

 

_“જો એલ.પી.જી. ગેસ ભરવા જશો તો ટેન્કર સાથે જીવતા સળગાવી દઈશું”_ તેવી ધમકી આપી ભયનો માહોલ ઉભો કરાયો હતો. ટેન્કરોની બિલ્ટી, ડી.ઓ. લેટર અને સી.સી.એફ. જેવા મહત્વના દસ્તાવેજો પણ આંચકી લેવાયા હતા.

 

ફરિયાદ મુજબ ત્રણેય શખ્સોએ એક ટેન્કર ડ્રાઇવર પાસેથી મૃત્યુનો ભય બતાવી રૂ. 2000 રોકડા પણ પડાવી લીધા હતા. ગેસ ભરેલા ટેન્કરો રોડ પર મોકલવામાં આવશે તો ટેન્કરો સળગાવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી.

 

આ ઘટનાના કારણે ટેન્કર ડ્રાઇવરો અને ખલાસીઓમાં ભારે ભય ફેલાયો હતો. હાલની પરિસ્થિતિમાં LPG ગેસનો પુરવઠો સમયસર જળવાઈ રહે તે અત્યંત જરૂરી હોવા છતાં આ અવરોધથી કામગીરી ખોરવાઈ હતી.

 

સમગ્ર મામલે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:12 PM IST)