તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
તમારે તો રોજનું થયું, મકાન ખાલી કરી ભાગો નહિતર ટાંટીયા ભાંગી જશેઃ દંપતિને ધમકી
કોઠારીયા સોલવન્ટના મચ્છોનગરમાં પાડોશીઓ વચ્ચે પાણી ફેંકવા મામલે માથાકુટ દેવુબેન મેવાડાની ફરિયાદ પરથી પાડોશી રેખાબેન અને તેના પતિ જીગાભાઇ બવ વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૦: શહેરમાં સામાન્ય કહી શકાય તેવી બાબતોમાં પાડોશીઓ વચ્ચે લોહિયાળ ઝઘડા થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવો જ એક બનાવ કોઠારીયા સોલવન્ટ મચ્છોનગરમાં બન્યો છે. પાણી ફેંકવા જેવી વાતે પાડોશી દંપતીએ એક મહિલા અને તેના પતિ પર હુમલો કરી ગાળો દઇ વિસ્તારમાંથી ઘર ખાલી કરી જતા રહેવા ધમકી દીધી હતી.
આજીડેમ પોલીસે આ બનાવમાં મચ્છોનગરમાં રહેતાં દેવુબેન ભુપતભાઈ મેવાડા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી તેના પાડોશી રેખાબેન અને જીજ્ઞેશભાઇ બવ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. દેવુબેન પોતાના પરિવાર સાથે અહીં રહીને ઘરકામ કરે છે. ગઈકાલે સવારે આશરે સાડા અગિયારેક વાગ્યાની આસપાસ તે પોતાના ઘરની બહાર ઉભા હતા, ત્યારે પાડોશમાં જ રહેતા રેખાબેન જીગાભાઇ બવના ઘરે તેનો દિકરો અગાસી પરના પતરા સાફ કરતો હતો.
દેવુબેને જણાવ્યું હતું કે પાણી નીચે આવતાં મેં એ તરફ જતાં રેખાબેન મારી પાસે આવ્યા હતાં અને બોલાચાલી કરી ગાળો દેવા માંડયાહ તાં. આથી મેં ગાળો દેવાની ના પાડતાં તે તેના પતિ જીજ્ઞેશભાઇ ઉર્ફે જીગાભાઇને બોલાવી લાવેલ. બાદમાં રેખાબેન અને જીગભાઇ એમ બંનેએ વધુ ઝઘડો કરી-તમારે તો આ રોજનું થયું, અહિથી મકાન ખાલી કરી બીજે રહેવા જતા રહેજો, બાકી તમારા બંને પતિ-પત્નિના ટાંટીયા ભાંગતા વાર નહિ લાગે, જો અહિ ફરી દેખાણા તો જાનથી મારી નાંખશું. તેવી ધમકી આપી હતી.
ઉપરાંત તમારે જ્યાં જાવુ હોય ત્યાં જાવ અમે કોઇથી બીતા નથી, તમારે જીવવું હોય તો ફરી અહિ દેખાતા જ નહિ તેવી ધમકી આપી વધુ ગાળો દીધી હતી. આથી દેવુબેને પોતાના પતિને ફોન કરી બોલાવ્યા હતાં. અગાઉ પણ આ લોકોએ ઘરની સફાઇ વખતે કચરો નાખવા જેવી વાતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેમ વધુમાં દેવુબેને કહેતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. ટી. જે. સરવૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:28 PM IST)










