<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક ન થયું, તું ત્રણ મહિના માવતરે ગઇ ને પ્રેગનન્‍ટ થઇ...શંકા કરી ત્રાસ ગુજાર્યો

આ બાળક મારું નથી, કોનું છે? કહી પતિએ ઘુસ્‍તાવી પછી સાસુ, સસરા, નણંદે પણ ધોલધપાટ કરી વાળ પકડી, પાટા માર્યાઃ બાદમાં સગર્ભાને માવતરે મુકી જતાં રહ્યાં: આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૬: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે સાસરૂ ધરાવતી અને હાલ રૈયાધાર ઝૂપડપટ્ટી વિસ્‍તારમાં માવતરે રહેતી ૨૨ વર્ષીય પરિણીતા પર પતિ-સાસરિયાએ શંકા કરી પતિએ તારી કુખમાં જે બાળક છે તે મારું નથી તેમ કહી મારકુટ કરતાં અને સાસુ, સસરાએ પણ વાળ પકડી પગ પર પાટા મારી ત્રાસ ગુજાર્યા બાદ તેણીને માવતરે મુકીને જતાં  રહતાં ફરિયાદ થઇ છે. 

આ બનાવમાં આજીડેમ પોલીસે ભોગ બનનાર બાવીસ વર્ષની પરિણીતાની ફરિયાદ પરથી કોઠારીયા ચોકડી રાધેશ્‍યામ સોસાયટી પાસે રહેતાં તેણીના પતિ, સસરા, સાુ અને નણંદ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદ મુજબ તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. પતિ-પત્‍નિ વચ્‍ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી પરિણીતા છેલ્લા ત્રણ મહિનાથી પોતાના માતા-પિતાના ઘરે રહેતી હતી. તારીખ ૨૪/૮ના રોજ સાંજે સમાધાન થતાં પતિ તેણીને પરત પોતાના ઘરે લઇ ગયો હતો. એ જ રાતે તેણીએ પોતે ગર્ભવતિ હોવાનું પતિને કહેતાં આ સાંભળતા જ પતિ ઉશ્‍કેરાઇ ગયો હતો અને કહ્યું હતું કે- લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક ન થયું અને ત્રણ મહિના પિયર રહ્યા પછી તું પ્રેગ્નન્‍ટ થઈ, આ બાળક મારું નથી, કોનું છે? તેમ કહી ઝઘડો કરવા લાગ્‍યો હતો.

ઝઘડાનો અવાજ સાંભળી સાસ, સસરા અને નણંદ આવી ગયા હતાં. તેણે પણ ચારિત્ર્ય પર શંકા કરી હતી અને જેમ તેમ બોલ્‍યા હતાં.સાસુએ તેણીના વાળ પકડી રાખ્‍યા હતાં અને નણંદે ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ સસરાએ પગ પર પાટુ મારતાં પરિણીતા નીચે પડી ગઈ હતી. આ બાદ ચારેય જણા તેણીને રિક્ષામાં બેસાડી રૈયા ધાર પાસે આવેલા પાણીના ટાંકા પાસે ઉતારીને જતાં રહ્યા હતાં. બનાવ અંગે જાણ થતાં પરિણીતાના માતા આવી પહોંચ્‍યા હતા અને તેમને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડી હતી. સારવાર પૂર્ણ થયા બાદ પરિણીતાએ આજીડેમ પોલીસ સ્‍ટેશન પહોંચી પોતાના પતિ-સાસુ-સસરા અને નણંદ વિરૂધ્‍ધ ફરિયાદ આપતાં પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં પીએએસઆઇ જે. એમ. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:46 PM IST)