તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
તું હોલમાં આવ તને મારી નાંખુ, તમે રૂમમાં આવીને મારી નાંખો...ઉગ્ર બબાલ બાદ પતિએ હથોડાથી હત્યા કરી'તી
હત્યાના ૧૬ દિવસ પહેલા જ અલ્તાફે પત્નિને જીતુ સાથેના સંબંધ સ્વીકારતાં અલ્તાફે પોતાના ભાઇઓની હાજરીમાં સમજાવી હતીઃ આમ છતાં મેસેજ ચાલુ રહેતાં હત્યા કરી નાંખીઃ ક્રાઇમ બ્રાંચે કલાકોમાં દબોચ્યો વચ્ચે પડેલી ભાણેજ સામે હથોડો ઉગામતાં તે જીવ બચાવી ભાગીઃ દાદરા ઉતરતી હતી ત્યારે માસીની મરણચીસો સાંભળીઃ બીજા મહિલાઓને બોલાવી ઉપર આવી ત્યાં માસી લોહીલુહાણ મળ્યાઃ અલ્તાફને હત્યાનો કોઇ અફસોસ નથીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો હત્યા બાદ અલ્તાફ રિક્ષા કરી બસ સ્ટેશને અને ત્યાંથી જુનાગઢ ગયોઃ વતન ચોરવાડ તરફ જતો'તો ત્યાં જ ક્રાઇમ બ્રાંચના વિજયસિંહ જાડેજા, તુલીસભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયાની બાતમીથી પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમે વંથલી પાસેથી પકડી લીધો

રાજકોટ તા. ૩૦: રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં શીલ્પાબેન લાલાણી (ઉ.વ.૪૦)ના માથામાં હથોડાના ઉપરાઉપરી ઘા ઝીંકીે ક્રૂરતાપૂર્વક હત્યા કરી ભાગી ગયેલા પતિ અલ્તાફ જાફરભાઇ લાલાણી (ઉ.વ.૫૨)ને ક્રાઇમ બ્રાંચે વંથલી પાસેથી હત્યામાં ઉપયોગમાં લીધેલી હથોડા સાથે પકડી લીધો હતો અને યુનિવર્સિટી પોલીસને સોંપ્યો હતો. પરપુરૂષ સાથે સંબંધ ધરાવતી પત્નિને પતાવી દીધાનો તેને કોઇ અફસોસ નહિ હોવાનું રટણ કર્યુ હતું. હત્યા બાદ તે રિક્ષા મારફત બસ સ્ટેશને ગયો હતો. ત્યાંથી જુનાગઢ સુધી જઇ બીજુ વાહન પકડી ચોરવાડ તેના વતન તરફ જતો હતો ત્યાં ક્રાઇમ બ્રાંચની ટીમ પગેરૂ દબાવતી પહોંચી ગઇ હતી.
હત્યાની આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે ઘટના નજરે નિહાળનાર હત્યાનો ભોગ બનેલા શીલ્પાબેનની ભાણેજ નાયબબેન રહીમભાઇ જીવાણી (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી તેણીના માસા અલ્તાફ ઉર્ફે બટુક જાફરભાઇ લાલાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. નાયબબેને કહ્યું હતું કે ૧૩/૫ના બપોરે એકાદ વાગ્યે મારા માસા અલ્ફાતભાઇ દુકાનેથી ઘરે આવેલા અને માસી શીલ્પાબેનને પુછેલુ કે-તારે અને જીતુભાઇને શું સંબંધ છે, ત્યારે માસીએ સંબંધ હોવાનું સ્વીકાર્યુ હતું. આથી માસા અલ્તાફભાઇએ તેમના મોટા ભાઇ મન્સુરભાઇ, અજીતભાઇ સહિતે બોલાવ્યા હતાં. ત્યારે માસીને આ બધાએ સમજાવ્યા હતાં.
આ પછી મારા માસા અવાર-નવાર મારા માસીને આ બાબતે સંભળાવતા હતાં. દરમિયાન ગુરૂવારે ૨૮મીએ હું અને માસી ફરવા માટે ગયા ત્યારે માસી શીલ્પાબેનના ફોનમાં રાતે ૯:૪૦ કલાકે ભાનુબેનનો વ્હોટ્સએપ કોલ આવ્યો હતો જેનું રેકોર્ડીંગ મં મારા મોબાઇલથી કર્યુ હતું. બાદ અમે ઘરે ગયા હતાં. માસાએ જમી લીધા બાદ ફરી અમે ત્રણેય ફરવા ગયેલા અને રાતે સાડા અગીયારે આવીને સુઇ ગયા હતાં.
બાદ શુક્રવારે ૨૯મીએ સવારે પાંચ વાગ્યે મારા માસા દુકાને જવા નીકળી ગયા હતાં. સવા નવેક વાગ્યે હું ઘરે હતી ત્યારે માસા પાછા આવ્યા હતાં અને માસીને જીતુભાઇ સાથે આડા સંબંધ છે તે બાબતે ઝઘડો કરતાં હોઇ હું તેને સમજાવવા ગઇ હતી. આ પછી અમે નાસ્તો કર્યો હતો. બાદ ફરી માસા નીચે ગયા હતાં અને વિમલ મસાલાનો થેલો ઇલ ઉપર આવ્યા હતાં અને થોડીવાર બેસી રહ્યા હતાં. આ પછી મને માસાએ તું તારા કામે જતી રહે તેવુ કહ્યું હતું. પણ માસીને પોરબંદર માવતરે જવું છે તેને હું બસમાં બેસાડી પછી કામે જઇશ તેમ કહી હું ઘરે રોકાઇ હતી.
ત્યાં અચાનક માસા અલ્તાફભાઇએ મારો અને માસીનો મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો અને નીચે ગયા હતાં. ફોન મુકીને પાછા આવ્યા હતાં. હું અને માસી કપડાનો થેલો પેક કરતાં હતાં ત્યાં માસાએ માસી શીલ્પાબેનને બૂમ પાડી હતી કે-તું અહિ હોલમાં આવ તને મારી નાંખવી છે...આથી માસીએ સામે બૂમ પાડી હતી કે-તમે રૂમમાં આવીને મારી નાંખો. આ પછી માસા વિમલના થેલામાંથી હથોડો કાઢીને રૂમમાં આવેલા. આથી મેં મારો ફોન તેની પાસે માંગતા તેણે બંને હાથમાં હથોડો પકડી હું તનેય મારી નાંખીશ કહેતાં મારી નજીક આવતં હું ભાગવા જતાં નીચે પડી ગઇ હતી. આ વખતે માસીએ મારા માસા અલ્તાફભાઇને પાછળથી પકડી લેતાં હું બચીને નીચે દવરાજો ખોલી પોલીસને ફોન કરવા નીકળી ગઇ હતી.
હું પગથીયા ઉતરતી હતી ત્યાં જ માસી શીલ્પાબેનની જોર જોરથી ચીસો સંભળાઇ હતી. આથી હું બીજા ફલેટના રહેવાસીઓને લઇને ઉપર જતાં જ મારા મારસી લોહીલુહાણ હાલતમાં ઉંધા પડેલા દેખાયા હતાં. તે કંઇ બોલતા નહોતાં. મેં ૧૦૮ બોલાવી હતી ત્યાં માાસ અગાસીથી નીચે આવેલા અને ઘરમાં પાકીટમાંથી પૈસા કાઢી-તમારા બંનેના મોબાઇલ મારી સ્કૂટીમાં છે તેમ કહી ભાગી ગયા હતાં. મારા માસીને રૈયાધારના જીતુભાઇ સાથે અનૈતિક સંબંધ હોઇ તેના કારણે માસાએ ખાર રાખી હોથડાથી મને મારવાની કોશિષ કરી માસીની હત્યા કરી નાખી હતી. તેમ વધુમાં નાયબબેને કહેતાં પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ ડી. બી. કારેથા, રાઇટર સુભાષભાઇ કુગશીયા, અક્ષયભાઇ પટેલ, જીતુભાઇ બાળા, જેન્તીભાઇ રાઠોડ સહિતે ગુનો નોંધ્યો હતો.
દરમિયાન ડીસીબીના એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. તુલસીભાઇ ચુડાસમા, કોન્સ. સંજયભાઇ ખાખરીયાની બાતમી પરથી આરોપી અલ્તાફ ઉર્ફ બટુક જાફરભાઇ લાલાણીને વંથલી પાસેથી ઝડપી લેવાયો હતો. તેના વિરૂધ્ધ અગાઉ ૨૦૨૦, ૨૦૨૨માં મારામારી સહિત બે ગુના નોંધાયા હતાં. અલ્તાફને પોતાના આ કૃત્ય બદલ કોઇ અફસોસ હોય તેવા હાવભાવ દેખાયા નહોતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઇ આર. કે. ગોહિલ તથા એએસઆઇ અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા તેમજ હેડ કોન્સ. સુભાષભાઇ ધોધારી, તુલશીભાઇ ચુડાસમા, મુકેશભાઈ સબાડ અને કોન્સ્ટેબલ સંજયભાઇ ખાખરીયા, રામશીભાઇ કલોતરાએ આરોપીને પકડી લેવાની કામગીરી કરી હતી.
(3:40 PM IST)










