તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ગુજરાતમાં યોગ હવે જન આંદોલનઃ કુંવરજીભાઇ
નિયમિત યોગથી જીવનમાં શ્રેષ્ઠતા આવે છેઃ ક્લેક્ટરઃ રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી જોડાયા

રાજકોટ, તા.૨રઃ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવી હતી. રેસકોર્સના ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી જોડાઈને યોગમય બન્યા હતા.
આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ માત્ર એક વ્યાયામ, આસનોનો સમૂહ કે એક દિવસના કાર્યક્રમ પૂરતો સીમિત નથી. યોગ જીવનને યોગ્ય રીતે જીવવાની કળા છે. યોગ શરીર, મન અને આત્માને એકસૂત્રમાં જોડવાની પ્રક્રિયા છે. આજના તણાવપૂર્ણ અને અતિ વ્યસ્ત જીવનક્રમમાં માનસિક શાંતિ અને શારીરિક સુખાકારી માટે યોગ એક સર્વોત્તમ માધ્યમ છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેને વિશ્વના ૧૭૭ દેશોનું સમર્થન મળ્યું હતું. આજે યોગ વૈશ્વિક સ્તરે ભારતની અનોખી ઓળખ બની ચૂકયો છે.
આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિશ્વ આજે ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે. આ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સુશાસનના ૧૨ વર્ષ પણ આ વર્ષે પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ બંનેના સુભગ સમન્વયથી આજનો દિવસ ભારત માટે ગૌરવનો અવસર બની રહ્યો છે.
વિશ્વ યોગ દિવસની આ વર્ષની થીમ ‘‘યોગા ફોર હેલ્ધી એજિંગ'' છે, તેનું મહત્વ સમજાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લાંબુ આયુષ્ય મેળવવું જ પૂરતું નથી, પરંતુ તે આયુષ્ય સક્રિય, સ્વાવલંબી અને આનંદમય હોવું જોઈએ. આ બધું પ્રાપ્ત કરવા માટે યોગ શક્તિશાળી સાધન છે.
આ પૂર્વે રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, એવું કહેવાયું છે કે, યોગ કર્મસુ કૌશલમ. એટલે કે યોગથી આપણા જીવનમાં શ્રેષ્ઠતા આવશે. જીવનમાં યોગથી ખૂબ સારા પરિવર્તન થાય છે ત્યારે તેમણે સૌને દૈનિક જીવનમાં યોગ અપનાવીને, પરિવાર, સમાજ અને દેશ માટે મૂલ્યવાન સંપત્તિ બનીને શ્રેષ્ઠ યોગદાન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લાપંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, સામાજિક-રાજકીય અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રૂડાના સી. ઈ.ઓ. જી.વી. મિયાણી, નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ, વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ, છાત્રો, રમતવીરો તેમજ યોગપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
(2:49 PM IST)










