તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
સાત વર્ષ સુધી વિશ્વાસથી કામ કર્યુ, છેલ્લે રૂા.૬૮.૬૯ લાખનું સોનુ લઇ સોનીબજારનો બંગાળી કારીગર ‘છૂ'
વેપારીએ ઉઘરાણી કરતાં તેણે હું વતન જાઉ છું, આવીને આપીશ એવુ કહ્યું પણ પાછો જ ન આવ્યોઃ હાથીખાના રોડ પર દુકાન ધરાવતાં બિમલભાઇ ચલ્લાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે એસ.કે. ઓસ્માનઅલી શેખ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૯: હાથીખાના રોડ પર સોની કામની દુકાન ચલાવતાં વેપારી સાથે આઠ વર્ષથી સંપર્ક ધરાવતો બંગાળી કારીગર સોનામાં પોલીશ કામ કરવાના બહાને રૂા. ૬૮ લાખ ૭૯ હજારનું સોનુ લઇ ગયા બાદ પરત ન આપી વતન ભેગો થઇ જતાં ફરિયાદ નોંધાવાઇ છે. આજથી બે મહિના પહેલા વેપારીએ સોનુ પરત માંગતા તેણે હું મારા વતન બંગાળ જાઉ છું, આવીને આપી દઇશ તેમ કહ્યું હતું. પણ તે આજ સુધી પાછો આવ્યો નહોતો.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પામ સીટી એપાર્ટમેન્ટ વીંગ-સી ફલેટ નં. ૬૦૨માં રહેતાં અને હાથીખાના મેઇન રોડ પર આવેલા બિલ્ડીંગમાં ચોથા માળે દુકાન નં. ૪૦૭માં મોમાઇ ગોલ્ડ નામે સોની કામની દુકાનમાં બેસી સોની કામ કરતાં બિમલભાઇ ભાવેશભાઇ ચલ્લા-સોની (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી સોની બજાર જુમ્મા મસ્જીદ ચોક મહાકાળી નિવાસ ખાતે રહેતાં મુળ પヘીમ બંગાળ હુગલીના એસ.કે. ઓસ્માનઅલી મુથુરઅલી શેખ વિરૂધ્ધ રૂા. ૬૮,૭૯,૯૮૦ની કિંમતનું ૪૬૭.૩૯૦ ગ્રામ સોનુ લઇ જઇ પરત ન આપી છેતરપીંડી કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બિમલભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સોનાના દાગીના પોલિશ કરાવવા માટે સોની બજારની સવજીભાઈની શેરીમાં આવેલા જે.પી. ટાવરમાં અલી ગોલ્ડ નામે દુકાન ચલાવતા એસ.કે. ઓસ્માન અલી મુથુર અલી શેખ (રહે. મહાકાળી નિવાસ, જુમ્મા મસ્જિદ ચોક પાસે, સોની બજાર, રાજકોટ)ને છેલ્લા સાત-આઠ વર્ષથી ઓળખતા હતા. દર ૧૦૦ ગ્રામ સોનાના દાગીના પોલિશ કરવા બદલ ઓસ્માન અલીને ૫૦૦ મિલીગ્રામ સોનું મજૂરી પેટે આપવામાં આવતું હતું. લાંબા સમયના આર્થિક અને ધંધાકીય સંબંધોને કારણે તેના પર પૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો. આ વિશ્વાસના આધારે જુલાઈ ૨૦૨૫ દરમિયાન કટકે-કટકે ૨૨ કેરેટની સોનાની બાલીઓ પોલિશ કરવા માટે આપવામાં આવી હતી. જેમા તા. ૦૬/૦૭/૨૦૨૫ના રોજ ૧૬૪.૫૮૦ ગ્રામ સોનાની બાલી, ૧૧/૦૭/૨૦૨૫ના રોજ૧૯૦.૨૫૦ ગ્રામ સોનાની બાલી, ૧૮/૦૭/૨૦૨૫ના રોજ ૧૧૨.૫૬૦ ગ્રામ સોનાની બાલી મળી કુલ ૪૬૭.૩૯૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનું, જેની વર્તમાન બજાર કિંમત આશરે રૂા. ૬૮,૭૯,૯૮૦ થાય છે, તે પોલિશ કામ માટે સોંપવામાં આવ્યું હતું.
ધંધામાં સોનાની જરૂરિયાત ઊભી થતાં બિમલભાઇએ અવારનવાર સોનું પરત માગ્યું હતું. પરંતુ ઓસ્માન અલી થોડા સમયમાં આપી દઈશ તેવા ખોટા વાયદાઓ કરતો હતો. આશરે બે મહિના પહેલાં જ્યારે ફરીથી સોનું પરત માગવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે હું મારા વતન કોલકત્તા જાવ છું, ત્યાંથી પરત આવ્યા બાદ તમારું સોનું આપી દઈશ. આમ કહીને તે પોતાના વતન પヘમિ બંગાળ જતો રહ્યો હતો.ત્યારબાદ બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં તે રાજકોટ પરત ફર્યો ન હતો અને તેનો સંપર્ક પણ થઈ શકયો ન હતો. આખરે વેપારીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં એ-ડિવીઝન પોલીસમાં જાણ કરતાં પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:20 PM IST)










