News of Thursday, 29th October 2026
૧૫૦ ફૂટ રિંગ રોડ-૨નું કામ હવે પૂરજોશમાં: બીજી તરફ ખોદકામનો ધમધમાટ
ઘંટેશ્વર, મુંજકા, કણકોટ, મોટા મવા સહિતના વિસ્તારોને ટ્રાફિકમાંથી મળશે રાહતઃ જૂનાગઢથી જામનગર અને અમદાવાદ જતા વાહન ચાલકોને થશે ફાયદો : રૂટના ૮.૭૯ કિ.મી. માર્ગના વિકાસમાં એક તરફ ૪.૫ કિ.મી.માં DBM કામગીરી પૂર્ણઃ જુલાઈ ૨૦૨૭ સુધીમાં કામ પૂરૂ કરવાનો મનપાનો લક્ષ્યાંક

રાજકોટ,તા.૨૯: શહેરના સતત વિસ્તરી રહેલા ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨ના વિકાસકાર્યને હવે વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. જામનગર હાઇવેથી સ્માર્ટ સિટી અને કટારિયા ચોકડી થઈ મહાનગરપાલિકાની હદ સુધીના કુલ ૮.૭૯ કિલોમીટર લાંબા માર્ગના વિકાસ માટે ત્રણ પેકેજમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. એક તરફના અંદાજે ૪.૫ કિલોમીટર માર્ગ ઉપર ડેન્સ બિટયુમિનસ મેકેડમ (DBM)ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે આ તૈયાર થયેલા ભાગ ઉપર ટ્રાફિક ડાયવર્ઝન કરીને બીજી તરફ ખોદકામ સહિતની કામગીરીને વેગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળ પેકેજ-૧, પેકેજ-૨ અને પેકેજ-૩માં આ મહત્વાકાંક્ષી માર્ગ વિકાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. માર્ગની બંને બાજુ ૧૦.૫ મીટર પહોળા કેરેજ-વે બનાવવાની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની સુવિધા પણ વિકસાવવામાં આવી રહી છે.
ચોકડીના ભાગને બાદ કરતાં અંદાજે ૭.૫ કિલોમીટર માર્ગની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. તે પૈકી એક તરફના અંદાજે ૪.૫ કિલોમીટર ભાગમાં DBMની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે અન્ય ભાગોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે.
માર્ગ વિકાસની કામગીરી દરમિયાન ટ્રાફિકને ઓછામાં ઓછી અડચણ પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવશે. DBMની કામગીરી પૂર્ણ થયેલા માર્ગ ઉપર વાહનવ્યવહાર ફેરવીને બીજી તરફ ખોદકામ અને માર્ગ નિર્માણની કામગીરી સમાંતર ધોરણે આગળ ધપાવવામાં આવશે. આ પદ્ધતિથી ઉપલબ્ધ જગ્યાનો અસરકારક ઉપયોગ થવાની સાથે પ્રોજેક્ટની કામગીરી ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ માર્ગનું કામ પૂર્ણ થયા બાદ ઘંટેશ્વર, મુંજકા, કણકોટ, મોટા મવા, રૈયા ગામ, કાલાવડ રોડ, વર્ધમાનનગર, વેજાગામ અને મવડી ગામ સહિતના વિસ્તારોના હજારો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી નોંધપાત્ર રાહત મળવાની આશા છે. ઉપરાંત જૂનાગઢથી જામનગર અને અમદાવાદ તરફ અવરજવર કરતા વાહનચાલકો માટે પણ આ માર્ગ મહત્વપૂર્ણ સાબિત થશે.(૨૩.૨૦)
બાકીનું કામ સમયસર પૂરૂ કરવાનો પડકાર
૧૫૦ ફૂટ રિંગ રોડ-૨ના કુલ ૮.૭૯ કિલોમીટર લાંબા માર્ગના વિકાસમાં એક તરફ ૪.૫ કિલોમીટરમાં DBM કામગીરી પૂર્ણ થઈ છે. હવે ટ્રાફિક ડાયવર્ઝન સાથે બીજી તરફની કામગીરી આગળ વધારવામાં આવશે. જોકે માર્ગનું ખોદકામ, ડ્રેનેજ લાઇન અને બાકી રહેલી માર્ગ નિર્માણની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવી મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ રહેશે. જુલાઈ ૨૦૨૭ સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થાય છે કે કેમ તેના ઉપર સ્થાનિક નાગરિકોની નજર રહેશે.(૨૩
(2:53 PM IST)










