તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
‘‘માનવ ઉત્કર્ષ મહોત્સવ''માં ઝળહળ્યું નારી નેતૃત્વ - ‘લક્ષ્મણ રેખા' થીમ હેઠળ મહિલા દિન બન્યો યાદગાર

રાજકોટ : ‘‘માનવ ઉત્કર્ષ મહોત્સવ'' અંતર્ગત વિરાટ મહિલા દિન નિમિત્તે ‘‘લક્ષ્મણ રેખા'' વિષયક વિશેષ કાર્યક્રમ ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે યોજાયો હતો. આ કાર્યક્રમ માત્ર એક સાંસ્કળતિક પ્રસંગ નહોતો, પરંતુ બીએપીએસ સંસ્થાની નારીશક્તિ, સંસ્કાર અને સંગઠનક્ષમતાનો જીવંત પ્રયોગ બની રહ્યો હતો. સમગ્ર આયોજનની વિશેષતા એ રહી કે શરૂઆતથી અંત સુધી દરેક જવાબદારી આયોજન, સંચાલન, પ્રસ્તુતિ, ટેક્નિકલ વ્યવસ્થા અને સ્વાગત સંપૂર્ણપણે બાલિકા, યુવતી અને મહિલાઓ દ્વારા જ સંભાળવામાં આવી, જે નારી આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી દૃશ્ય સર્જતું હતું.
કાર્યક્રમની શરૂઆત ધૂન ‘‘સ્વામિનારાયણ નમો નમઃ'' અને ભાવભીની પ્રાર્થના સાથે થઈ. શાંતિપાઠ અને મંગલાચરણ જેવી પરંપરાગત રજૂઆતો દ્વારા ભારતીય સંસ્કળતિ અને સંસ્કારોનું સુમેળભર્યું પ્રતિબિંબ જોવા મળ્યું.
મહિલા દિનના હેતુ વિષે આપવામાં આવેલી માહિતીમાં સમાજમાં નારીની કેન્દ્રિય ભૂમિકા, પરિવારના સંસ્કાર ઘડતરમાં તેનું મહત્વ અને આધુનિક યુગમાં તેની જવાબદારીઓ અંગે ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દરેક પ્રસ્તુતિએ એક જ સંદેશ આપ્યો.. ‘‘નારી તું નારાયણી'' માત્ર શબ્દ નથી, પરંતુ જીવનમાં જીવવાનો એક મૂલ્યવાન દ્રષ્ટિકોણ છે.
કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ ‘‘લક્ષ્મણ રેખા'' સંવાદ રહ્યો, જેમાં બાલિકાથી લઈને મહિલા સુધીના વિવિધ વર્ગોએ પોતાના અનુભવ, વિચાર અને સંસ્કાર આધારિત દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા. આ સંવાદ માત્ર ચર્ચા નહોતો, પરંતુ જીવનને દિશા આપતો સંદેશ બની રહ્યો હતો. ‘‘લક્ષ્મણ રેખા મર્યાદા નહીં, પરંતુ સુરક્ષા કવચ છે.'' આ વિચારને વધુ ઊંડાણથી સમજાવતું પ્રવચન પણ રજૂ થયું, જેમાં આધુનિક યુગમાંસ્ત્રીઓએ પોતાની સુરક્ષા, સ્વાભિમાન અને સંસ્કારોને કેવી રીતે જાળવવા તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શિતાબેન શાહ, પુજિત રૂપાલી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, ગાયત્રીબા વાઘેલા, દેવાંગી મૈયડ , જ્યોતિબેન ટીલવા, અલ્પનાબેન ત્રિવેદી, મુખ્ય વક્તા તરીકે શ્રીમતી કોમલબેન સાવલિયા , કાર્ડીયોલોજીસ્ટ ડૉ. નીખીલાબેન પાંચાણી, ગાયનેક ડૉ. પુજાબેન પાંચાણી, નીશાબેન ઠાકરીયા, નિધિબેન મોડીયા, મોનીકાબેન કાલરીયા, નિધિબેન ઝાલરીયા, રેખાબેન મોઢા તથા રમાબેન માયુકીયા તેમજ ઈલાબેન પટેલ, પ્રતિમાબેન પટેલ, જલ્પાબેન શિગાળા, ભાનુબેન ઉદાણી, ઉષાબેન કોરાટ, કાશીબેન મારુ અને અવનીબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
(2:13 PM IST)










