તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
હવા નીકળી ગઈ...પક્ષ પલટુઓ ઘરભેગા
કોંગ્રેસના ઉમેદવારો દેવુબેન-અનિષભાઇ, આપના ઉમેદવાર મૌલિક દેલવાડીયા તથા જયદિપ નકુમને મતદારોએ ન સ્વીકાર્યા દેવુબેન જાદવ, અનિષ જોશી, મૌલિક દેલવાડિયા, જયદીપ નકુમ,

રાજકોટ, તા.૨૮: મતદારોના અકળ મનથી રાજકીય પક્ષો મત મેળવવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. મતદાન પહેલા મુખ્ય ત્રણ પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપમાં પ્રથમ ચૂંટણી લડતા પક્ષ પલટુ ઉમેદવારીનો મુદ્દો ચર્ચામાં આવતા પોલીટીકલ પાર્ટીઓમાં ખળભળાટ મચવાની સાથે ડેમેજ કન્ટ્રોલ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસમાં લડી રહેલ વોર્ડ નં.૬ના ઉમેદવાર દેવુબેન જાદવ, વોર્ડ નં.૧૪ના અનીષ જોષીએ ભાજપનો ખેસ છોડી પંજાનો સાથ લીધો છે ત્યારે મતદારો સત્તાધારી પક્ષ ભાજપ સાથે રહ્યા હતા અને બંન્ને ની હાર થઈ છે.
જયારે આપમાંથી વોર્ડ નં.૧૦માં લડતા મૌલીક દેલવાડીયા તથા વોર્ડ નં.૧૪ના ઉમેદવાર જયદીપ નકુમે પણ કેસરીયાનો સાથ છોડી ઝાડુ પકડયુ હતું. મૌલીક દેલવાડીયાના ધર્મપત્નિ અસ્મીતાબેન દેલવાડીયાને ભાજપે ગત ટર્મમાં વોર્ડ નં.૧૨માંથી ટીકીટ આપી કોર્પોરેટર બનાવ્યા હતા. છતાં પણ આપ માં ભળેલા ભાજપના પૂર્વ નેતાઓની કારી ફાવી ન હતી. અને હાર નો સામનો કરવો પડયો હતો.જયારે સત્તાધારી પક્ષ ભાજપે પણ આપ અને કોંગ્રેસમાંથી ભળેલા બે લોકોને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં જીપીપીમાંથી આવેલ મહેશ પીપળીયાને વોર્ડ નં.૧૧માંથી જયારે ચંદાબેન વાળાને વોર્ડ નં.૧૪માંથી બીજેપીએ ટીકીટ આપી હતી. ચંદાબેનના પતિ માણસુરભાઇ વાળા કોંગ્રેસના સક્રિય કાર્યકર રહી ચૂકયા છે. બંન્ને ઉમેદવારોએ જીત મેળવી છે.
(2:36 PM IST)










