News of Thursday, 7th May 2026
તું કેમ મારી પંચાત કરે છે? કહી વિજયભાઇ સાથે રોહિતે ડખ્ખો કર્યો પછી તેના કાકાએ ધમકીઓ દીધી
વિવેકાનંદનગરના વેપારીની ભક્તિનગર પોલીસમાં નથુ ડાભી વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૭: શહેરના વિવેકાનંદ નગર વિસ્તારમાં રહેતા અને ગાયત્રીનગરમાં મોબાઈલ તથા જ્યુસની દુકાન ધરાવતા વેપારીને ૨૦ દિવસ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવમાં પોલીસે વિવેકાનંદ નગર શેરી નં. ૧૪માં રંગીલા હનુમાનજી પાસે રહેતાં વિજયભાઇ ગલાભાઈ બાંભવા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી શ્રીનગર સહકાર રોડના નથુ અરજણભાઇ ડાભી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિજયભાઇ ગાયત્રીનગર શેરી નં. ૪/૫ ના ખુણે રંગીલા મોબાઈલ અને રંગીલા રસ નામની દુકાન ચલાવે છે. ૨૦ દિવસ પહેલા તેમના દૂરના સગા ખોડાભાઈ ડાભીનો પુત્ર રોહિત દુકાને આવ્યો હતો અને-હું શું કરુ છું અને ક્યાં જાઉ છું તેનું તું ધ્યાન રાખે છે? તું કેમ મારી પંચાત કરે છે? તેમ કહી ઝઘડો કર્યો હતો. તે સમયે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું.
બાદ તા.૪ના રોજ રોહિતના કાકા નથુભાઈ અરજણભાઇ ડાભીએ વિજયભાઇને ફોન કરીને ગાળો આપી હતી. ત્યારબાદ તા. પમીએ રાત્રે સાડા નવ વાગ્યે નથુભાઈએ ફરીથી ફોન કરીને વિજયભાઇ, તેમના ભાઈ અજય અને પિતા કયાં છે તેમ પુછી બિભત્સ ગાળો ભાંડી હતી. તેમજ ફોન પર ધમકી આપતા કહ્યું હતું કે-હું હમણાં તારા ઘરે આવું છું અને તમને જોઈ લેવા છે. સતત મળતી ધમકીઓથી કંટાળીને વિજયભાઇ બાંભવાએ પોલીસને જાણ કરતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં એએસઆઇ એચ. કે. ડાંગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(3:48 PM IST)










