તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
જમીન પર ખરી પડ્યા પછી પણ પૂજામાં કેમ શ્રેષ્ઠ મનાય છે પારિજાત? જાણો ભગવાન શ્રીકૃષ્ણ, રુક્મિણી અને સત્યભામા સાથે જોડાયેલી અદભુત પૌરાણિક કથા!
સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા દિવ્ય પારિજાતના ફૂલ પાછળ છુપાયેલું છે ગૂઢ આધ્યાત્મિક રહસ્ય: તાવ અને સાંધાના દુખાવામાં આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે હરસિંગાર

રાજકોટ : હિન્દુ પરંપરામાં તમામ પૂજા-અર્ચના માટે વૃક્ષ પરથી તાજા તોડેલા ફૂલો જ દેવોને અર્પણ કરવાનો નિયમ છે, પરંતુ 'પારિજાત' (હરસિંગાર અથવા નાઇટ-બ્લૂમિંગ જેસ્મિન) એકમાત્ર એવું પવિત્ર અને દિવ્ય ફૂલ છે જે જમીન પર ખરી પડ્યા પછી જ ભગવાનને ચઢાવવામાં આવે છે. પોતાની નાજુક સફેદ પાંખડીઓ અને તેજસ્વી નારંગી દાંડી ધરાવતું આ સુગંધિત ફૂલ ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ અને પૌરાણિક કથાઓમાં અત્યંત વિશેષ અને આદરણીય સ્થાન ધરાવે છે.
સમુદ્ર મંથન અને ભગવાન શ્રીકૃષ્ણ સાથેનો દિવ્ય સંબંધ:
પૌરાણિક માન્યતાઓ મુજબ પારિજાત એ સમુદ્ર મંથન દરમિયાન બહાર આવેલા ૧૪ રત્નો અને દિવ્ય ખજાનામાંનું એક આકાશી વૃક્ષ છે. એક પૌરાણિક દંતકથા અનુસાર, દેવર્ષિ નારદ સ્વર્ગમાંથી પારિજાતનું એક પુષ્પ લાવીને ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરે છે અને શ્રીકૃષ્ણ તે ફૂલ તેમની રાણી રુક્મિણીને આપે છે. આ વાતની જાણ થતાં શ્રીકૃષ્ણની બીજી પત્ની સત્યભામા ઈર્ષ્યાવશ પોતાના આંગણા માટે આખું દિવ્ય વૃક્ષ લાવવાની હઠ કરે છે.
ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દ્રદેવ સાથે યુદ્ધ કરી સ્વર્ગમાંથી પારિજાતનું વૃક્ષ પૃથ્વી પર દ્વારકા લઈ આવ્યા હતા. કૃષ્ણે તે વૃક્ષ સત્યભામાના આંગણામાં એવી ચતુરાઈથી રોપ્યું કે જ્યારે તે ખીલે ત્યારે તેની ડાળીઓ અને ફૂલો રુક્મિણીના આંગણામાં ખરીને પડતા હતા. આ કારણે જ જમીન પર પડેલા પારિજાતના ફૂલો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજામાં અત્યંત પવિત્ર ગણાય છે.
આરોગ્ય અને આયુર્વેદ માટે આશીર્વાદરૂપ:
પારિજાત માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ ગુણકારી છે. રાત્રે ખીલતા અને સૂર્યોદય પહેલાં ખરી પડતા આ ફૂલના પાંદડા અને છાલનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં તાવ, સાંધાના દુખાવા (આર્થરાઈટિસ) અને સાયટીકા જેવી બીમારીઓની સારવારમાં થાય છે. તેની શાંત સુગંધ અને શુદ્ધતા ભક્તિ અને માનસિક શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.
(8:16 PM IST)










