<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

મિત્ર દિનેશે લાફો મારતાં સંતોષે તેને છરીનો ઘા માર્યો'તોઃ એક જ ઘા દિનેશ માટે જીવલેણ નીવડયો

વતન જવું હોઇ કપડા લેવા બંને મિત્રો ગયા ત્‍યારે સંતોષે પોતાના રૂા. ૫૫૦૦ અને મોબાઇલ દિનેશને સાચવવા આપેલાઃ રાતે આ પૈસા, ફોન પાછા માંગતા ડખ્‍ખો થયો હતો : દિનેશે પણ છરી ઝૂંટવી સંતોષેને ચાર-પાંચ ઘા મારી દીધા હતાં: દિનેશના કોૈટુંબીક ભાઇની ફરિયાદ પરથી સંતોષ સામે હત્‍યાનો ગુનોઃ સંતોષની ફરિયાદ પરથી દિનેશ સામે હત્‍યાની કોશિષનો ગુનો તાલુકા પોલીસે દાખલ કર્યો

રાજકોટ તા. ૩૦: ગઇકાલે વાવડી રોડ પર બનેલી ઘટનામાં શરૂઆતમાં મુળ યુપીના સંતોષ નામના યુવાને પોતાને છરીના ઘા મારી ત્રણ શખ્‍સો રોકડ-મોબાઇલ લૂંટી ગયાની વાત કરી હતી. પરંતુ એ દરમિયાન આ સ્‍થળેથી જ તેના મિત્ર દિનેશની લાશ મળી આવતાં પોલીસે વિશેષ તપાસ કરતાં આ ઘટના લૂંટની નહિ પણ બે મિત્રો વચ્‍ચે મોબાઇલ ફોન અને ૫૫૦૦ રૂપિયા મામલે થયેલી માથાકુટની હોવાનું ખુલ્‍યું હતું. સંતોષે સાચવવા આપેલો ફોન અને રોકડ પાછા માંગતા મિત્ર દિનેશે ઝઘડો કરી તેને લાફો મારી દેતાં સંતોષે છરી કાઢી ઘા ઝીંક્‍યો હતો. બાદમાં દિનેશે છરી ઝીંકી સંતોષને વળતા ઘા માર્યા હતાં. ઝપાઝપીમાં બંને ખાડામાં પડી ગયા હતાં. જેમાં દિનેશનું મોત થયું હતું. સંતોષ લોહીલુહાણ હાલતમાં બહાર નીકળી ૧૦૮ બોલાવી હોસ્‍પિટલમાં દાખલ થયો હતો અને લૂંટની સ્‍ટોરી ઘડી હતી. પોલીસે હત્‍યા, હત્‍યાની કોશિષના બે ગુના દાખલ કર્યા છે.

વાવડી રોડ ફાલ્‍કન કંપની નજીક રહેતો મુળ યુપીના શીવરાના સંતોષ બુદુનલાલ જમાર વિરૂધ્‍ધ આ બનાવમાં તાલુકા પોલીસે હત્‍યાનો ભોગ બનેલા દિનેશ શીવશંકર ગોૈતમ (ઉવ.૨૯)ના કુટુંબી ભાઇ ભવાનીનગરમા રહેતાં મુળ યુપીના રાકેશ ફુલચંદ્ર ગોૈતમ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે. તો બીજી તરફ સંતોષ બુદુનલાલ જમાર (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી તેના મૃતક મિત્ર દિનેશ ગોૈતમ વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કરાયો છે.

રાકેશ ગોૈતમે ફરિયાદમાં જણાવ્‍યું છે કે  દિનેશ સાથે મારે ત્રણેક દિવસ પહેલા વાત થઇ હતી ત્‍યારે પોતે ૨૯/૪ના રોજ વતન જવાનો છે તેવી વાત કરી હતી. આ પછી મને બુધવારે ૨૯મીએ બપોર બાદ સોશિયલ મિડીયાથી જાણ થઇ હતી કે દિનેશનું મૃત્‍યુ થયું છે. આથી હું પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે ગયો હતો અને લાશ ઓળખી હતી. આ પછી મને જાણ થઇ હતી કે મૃત્‍યુ પામનાર મારા ભાઇ દિનેશની સાથે જ રહેતાં સંતોષ ઉર્ફે શીવો પણ ઇજાગ્રસ્‍ત થયો છે અને તે પણ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ છે. જેથી મેં શીવાને પુછતાં તેણે કહેલું કે હું અને દિનેશ વતનમાં જવું હોઇ કપડા લેવા ગયા હતાં. ત્‍યારે મેં દિનેશને મારો મોબાઇલ ફોન અને ૫૫૦૦ રૂપિયા સાચવવા આપ્‍યા હતાં. આ પછી બંને અલગ પડી ગયા હતાં.

વતન જવાનું હોઇ રાતે ત્રણેક વાગ્‍યે દિનેશ રૂમમાં તેનો ફોન શોધતો હતો. આ પછી તેણે કહેલું કે મારો ફોન ક્‍યાંક પડી ગયો છે એ શોધવા જવું છે. આથી અમે બંને રૂમેથી ફોન શોધવા નીકળ્‍યા હતાં. વાવડી રોડ કાળભૈરવ દાદાના મંદિર પાસે પહોંચ્‍યા ત્‍યારે મેં  દિનેશને કહેલું કે મારો મોબાઇલ અને ૫૫૦૦ રૂપિયા તને સાચવવા આપ્‍યા હતાં તે મને આપી દે. આ વાતે દિનેશે મારી સાથે ઝઘડો કરી મને લાફોમ ારી દેતાં મેં મારી પાસે રહેલી છરી તેના ડબાા હાથમાં મારી દીધી હતી. એ પછી દિનેશે છરી ઝુંટવી મને પેટના ભાગે ચારેક ઘા અને પડખામાં એક ઘા મારી દેતાં હું દિનેશને ધક્કો મારી નીચે પાડવા જતાં અમે બંને રોડ સાઇડના ખાડામાં પડી ગયા હતાં. બાદ તે ઉભો થઇ શક્‍યો નહોતો. મને લોહી નીકળતું હોઇ ચીસો પાડતો રોડ પર પહોંચ્‍યો હતો. એક બાઇકવાળા ભાઇ નીકળતાં તેના મારફત ૧૦૮ બોલાવી હતી અને હોસ્‍પિટલે દાખલ થયો હતો. તેમ સંતોષ ઉર્ફે શિવાએ વાત કરી હતી. મારા ભાઇને સંતોષે જ મારી નાખ્‍યો હોઇ તેના વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી.

સામા પક્ષે સંતોષે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે મેં દિનેશ પાસે મારો ફોન, રૂપિયા માંગતા તેને સારૂ ન લાગતાં તે મને પોતાનો ફોન ખોવાયો છે શોધવા જવું છે કહીને વાવડી રોડે લઇ ગયા બાદ ઝઘડો કરી મને ફડાકો મારી દેતાં મેં તેને છરીનો ઘા મારી દીધો હતો. બાદમા તેણે છરી ઝુંટવી મને વળતા પાંચેક ઘા મારી દીધા હતાં. તેમ સંતોષે વધુમાં જણાવ્‍યું હતું. સંતોષની ફરિયાદ પરથી મૃતક દિનેશ સામે હત્‍યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ એચ. એમ. મહારાજ, પીએસઆઇ એમ. આઇ. શેખ અને સ્‍ટાફ વધુ તપાસ કરે છે.

(3:24 PM IST)