News of Tuesday, 20th October 2026
તારે કેસ ક્યારે પાછો ખેંચવાનો છે?...લોઠડામાં શાકભાજીના ધંધાર્થી લાભુબેનને આંતરી મારકુટ કરી ખૂનની ધમકી
દોઢ વર્ષ પહેલા દિકરાએ આપઘાત કર્યો તે મામલે અજય મેણીયા સહિતની સામે ફરિયાદ કરી છેઃ આ કારણે અજય, સંજય, હરેશ મેણીયા અવાર-નવાર ધમકી આપે છેઃ હવે હુમલો કર્યોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૦: તાલુકાના સરધાર નજકીના લોઠડા ગામે રહેતી એક મહિલાને જૂના કેસ બાબતે રસ્તામાં રોકી ગાળો આપી અને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી અપાતાં ફરિયાદ થઇ છે. પુત્રના આત્મહત્યાના કેસમાં સમાધાન કરવા અને પોલીસ કેસ પાછો ખેંચવા માટે ત્રણેય શખ્સોએ આ માથાકુટ કરી હતી.
આ બનાવમાં આજીડેમ પોલીસે લોઠડા ગામે વડાલીયા ફૂડની પાછળ ધાર ઉપર રહેતાં લાભુબેન ભલાભાઇ મેટાણીયા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી તેના જ ગામના અજય જેરામભાઇ મેણીયા, સંજય જેરામભાઇ મેણીયા અને હરેશ જેરામભાઇ મેણીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. તેઓ શાકભાજી વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ મુળ જસદણના દહીંસરાના વતની છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૫માં તેમના મોટા પુત્ર દિનેશભાઈએ આત્મહત્યા કરી લીધી હતી, જે કેસમાં અજય અને અશોક કાનાભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. આ કેસ પાછો ખેંચી લેવા માટે ગામના અજય મેણીયા, સંજય મેણીયા અને હરેશ મેણીયા અવારનવાર ધમકી આપતા હતા.
દરમિયાન ગઈ તારીખ૭/૧૦ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યે લાભુબેન શાકભાજી વેચીને પોતાની દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહ્યા હતા. તે વખતે લોઠડા ગામની બાપાસીતારામ વાળી બજાર પાસે આરોપી અજયભાઈ, સંજયભાઈ અને હરેશભાઈ બાઈક લઈને આવ્યા હતા અને લાભુબેનનો રસ્તો રોકી ઊભા રહ્યા હતા. જૂની અદાવતનો ખાર રાખીને લાભુબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી તેમજ ઢીકાપાટુનો માર મારવા માંડયા હતાં. તેમજ મોટેથી બૂમો પાડીને ગાળો આપવા લાગ્યા હતા. આરોપીઓએ ધમકી આપતાં કહ્યું હતું કે-તારે કેસ કયારે પાછો ખેંચવાનો છે? અને તમે અમારું શું કરી લેવાના? જો કેસ પાછો નહીં ખેંચો તો જોવા જેવી થશે અને જાનથી મારી નાંખશું.
લાભુબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી ત્રણેય આરોપીઓ બાઈક લઈને ત્યાંથી નાસી છૂટયા હતા. ત્યારબાદ તેણીએ પોતાના નાના પુત્ર રાયધન તથા પતિને બનાવની જાણ કરી હતી અને ૧૧૨ નંબર પર ફોન કરીને જનરક્ષક ગાડી બોલાવી હતી. જે તે વખતે અરજી આપી હતી. બાદમાં હવે ગુનો દાખલ કરાવ્યો છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઅઇ બી. એસ. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:21 PM IST)










