<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

અમારે માથાકુટ ચાલતી હતી તેમાં તું કેમ વચ્‍ચે પડયો? ટ્રેકટર ચોકમાં વિજયને છરીના ઘા ઝીંકાયા

ગોૈતમ ઉર્ફે દાતારો અને દીપ ધાંધલપરીયા તૂટી પડયાઃ યુવાનને ગંભીર ઇજા થતાં તત્‍કાળ ઓપરેશન કરવું પડયું: થોરાળા પોલીસે બંને સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૦:  ચુનારાવાડ ટ્રેકટર ચોક નજીક ભાણજીબાપાના પૂલ પાસે ફૂટપાથ પર રહેતાં અને છુટક મજૂરી કરતાં યુવાન પર બે શખસોએ છરીથી હઅુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે દાખલ કરાયો છે. હુમલાખોર કોઇ સાથે માથાકુટ કરતો હોઇ તેમાં આ યુવાન વચ્‍ચે પડયો હોઇ ખાર રાખી તેને છરીના ઘા ઝીંકી દેવાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ચુનારાવાડ ટ્રેકટર ચોક પાસે ફૂટપાથ પર રહેતો અને છુટક મજૂરી કરતો વિજય ઉર્ફે ગલો કિશનભાઇ ધાંધલપરીયા (ઉ.વ.૩૪) નામનો યુવાન ગઇકાલે ટ્રેકટર ચોક પાસે હતો ત્‍યારે ગોૈતમ ઉર્ફે દાતો અને દીપ સંજયભાઇ ધાંધલપરીયાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી દાઢી, છાતી, કમરના ભાગે અને ડાબા હાથના પંજામાં ઘા મારી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી મારફત થતાં થોરાળા પીએસઆઇ એન. આર. ડોબરીયાએ હોસ્‍પિટલે પહોંચી ઘાયલ યુવાન વિજયના કાકા કુબલીયાપરા ચારબાઇના મંદિર સામે રહેતાં અને ભંગારની ફેરી કરતાં રામુભાઇ ધીરૂભાઇ ધાંધલપરીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી ગોૈતમ દાતારો અને દીપ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ગઈકાલે બપોરે આશરે ત્રણેક વાગ્‍યાના સુમારે રામુભાઈ ભાણજીબાપાના પુલ પાસે ટ્રેક્‍ટર ચોક નજીક ઉભા હતા. આ દરમિયાન ફૂટપાથ પર તેમનો ભત્રીજો વિજય ઉર્ફે ગલો કિશનભાઈ ધાંધલપરીયા (ઉ.વ. ૩૪) સુતો હતો. તે સમયે ત્‍યાં ગૌતમ ઉર્ફે દાતારો અને દીપ સંજયભાઈ ઉર્ફે નાનુ ધાંધલપરીયા નામના બે શખ્‍સો ધસી આવ્‍યા હતા. આ બંને શખ્‍સોએ ત્‍યાં આવીને વિજયને તું ગઈકાલે અમારે બીજા સાથે માથાકૂટ ચાલતી હતી ત્‍યારે તું શા માટે વચ્‍ચે આવ્‍યો હતો અને અમારી સાથે કેમ માથાકૂટ કરી હતી? તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. વિજયે માથાકૂટ કરવાની ના પાડતા જ બંને આરોપીઓ એકદમ ઉશ્‍કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્‍યા હતા.

ઝઘડો વધતા આરોપીઓએ વિજયને ઢીકાપાટુનો બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. વિજય પોતાનો જીવ બચાવવા ત્‍યાંથી ભાગવા ગયો ત્‍યારે આરોપી દીપે તેને પાછળથી પકડી લીધો હતો. આ દરમિયાન આરોપી ગૌતમ ઉર્ફે દાતારાએ એકદમ ઉશ્‍કેરાઈ જઈ પોતાના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢી વિજયના શરીર પર આડેધડ પાંચથી છ ઘા ઝીંકી દીધા હતા. વિજયે લોહીલુહાણ હાલતમાં રાડારાડી કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈને બંને આરોપીઓ ઘટનાસ્‍થળેથી નાસી છૂટયા હતા.

હુમલાના પગલે લોહીલુહાણ થઈને ઢળી પડેલા વિજયને બચાવવા તેના કાકા રામુભાઈ તથા મોટાભાઈ કિરણભાઈ તાત્‍કાલિક દોડી આવ્‍યા હતા. કોઈ સ્‍થાનિકે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને ફોન કરતા એમ્‍બ્‍યુલન્‍સ મારફતે ઇજાગ્રસ્‍ત વિજયને તાત્‍કાલિક રાજકોટની સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડાયો હતો. તબીબોના જણાવ્‍યા મુજબ, વિજયને ડાબી બાજુ દાઢીના ભાગે, ડાબી બાજુ છાતીના ભાગે, કમરના પાછળના ભાગે તેમજ ડાબા હાથના પંજા પર છરીના ઊંડા ઘા વાગ્‍યા હોવાથી તાકીદે તેનું ઓપરેશન કરવું પડ્‍યું હતું. થોરાળા પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(2:42 PM IST)