News of Friday, 6th November 2026
પ્રદૂષણ ઘટાડવાના નામે પાણીનો વેડફાટ મંજૂર નહીં: ૫૧ લાખની દરખાસ્ત નામંજુર
મિસ્ટ કેનન મશીનના ડેમોમાં પાણીનો વધુ વપરાશ સામે આવતાં સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણયઃ ગંજીવાડામાં બાથરૂમ બનાવવાની દરખાસ્ત પણ નામંજૂર

રાજકોટઃ શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે નવા ત્રણ ટ્રક માઉન્ટેડ મિસ્ટ કેનન વાહનોની ખરીદી અને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા રજૂ થયેલી રૂ. ૫૧ લાખની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કરી છે.
વાયુ પ્રદૂષણ ઘટાડવાના મામલે દેશના ટોપ-૧૦ શહેરોમાં રાજકોટ સાતમા ક્રમે રહ્યું હોવાનું જણાવાયું છે. આમ છતાં પ્રદૂષણ નિયંત્રણ માટે નવા મશીનો ખરીદવાની દરખાસ્તને શાસકોએ મંજૂરી આપી નથી.
આ મશીનોના ડેમો દરમિયાન પાણીનો વધુ પડતો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. નબળા ચોમાસાના કારણે શહેરમાં પાણીની ઉપલબ્ધતાનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે આવા મશીનો પાછળ પાણીનો વધુ વપરાશ યોગ્ય નહીં હોવાનું માની દરખાસ્ત ફગાવવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં. ૧૫માં ગંજીવાડા પીટીસી રોડ પર માઠા પ્રસંગ માટે રૂ. ૧૭.૮૩ લાખના ખર્ચે બાથરૂમ બનાવવાની દરખાસ્ત પણ નામંજૂર કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરે નજીકના વિસ્તારમાં પહેલેથી જ બે સ્થળે બાથરૂમની સુવિધા ઉપલબ્ધ હોવાનું ધ્યાન દોર્યું હતું. આથી વધુ એક બાથરૂમ બનાવવાની જરૂરિયાત ન હોવાનું માની સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચને મંજૂરી આપી નથી
(3:34 PM IST)










