તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
વોર્ડ નં. ૧૭માં ભાજપ-કોંગ્રેસની વિચારધારા જુદી, ‘પ્રચારધારા' એકઃ ચોંકાવનારો રાજકીય માહોલ
ભાજપના વફાદાર કાર્યકરોમાં તીવ્ર અસંતોષઃ ભાજપ માટે જોખમ વધુઃ પરાજય અને પેનલ તૂટવાના એંધાણ

રાજકોટ તા. રપઃ રાજકોટ સહિતના વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય મૂલ્યોનું મોટાપાયે ધોવાણ જોવા મળી રહ્યું છે. ચૂંટણી ટાણે જનતા સામે આક્ષેપબાજી કરતા પક્ષો અંદરખાને એક થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. વોર્ડ નં. ૧૭ માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એકબીજાને હાર પહેરાવીને સાથે લોકસંપર્ક કરતા જોવા મળ્યા હતા. ભાજપે પોતાના જ બનાવેલા ઉંમર અને મુદતના નિયમોનો છેદ ઉડાડીને અન્ય પક્ષોમાંથી આવેલા તેમજ વિવાદાસ્પદ ઉમેદવારોને પસંદ કરતા પાયાના કાર્યકર્તાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. અંતિમ ઘડીએ ચૂંટણી પક્ષીય વિચારધારાના બદલે જ્ઞાતિ આધારિત અને પક્ષ વિરુદ્ધના મતદાન તરફ વળી રહી હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.
લોકશાહીની વ્યવસ્થામાં ચૂંટણીઓનું વિશેષ મહત્વ છે. ભૂતકાળમાં રાજકીય પક્ષો અને તેના કાર્યકર્તાઓ પોતાની વિચારધારા માટે મક્કમતાથી લડતા હતા. સામ, દામ, દંડ અને ભેદની નીતિઓ સામે અડગ રહીને લોકશાહીને જીવંત રાખવાના પ્રયાસો થતા હતા. રાજકોટના જ પૂર્વ નગરસેવક ભગવાનજીભાઈ ચાવડાનું ઉદાહરણ આજે પણ યાદ કરાય છે, જેઓ અનેક પ્રલોભનો છતાં ભાજપ સાથે વફાદાર રહ્યા અને આજીવન રિક્ષા ચલાવીને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોંગ્રેસમાં પણ આવા અનેક વફાદાર નેતાઓ હતા જેમણે સત્તા વિના આખું જીવન પક્ષને સમર્પિત કરી દીધું હતું.
પરંતુ, વર્તમાન સમયમાં રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું છે. સત્તા મેળવવાની લ્હાયમાં રાજકીય પક્ષોએ સિદ્ધાંતોવેદી દીધા છે અને શ્નઆયારામ-ગયારામઙ્ખની સંસ્કળતિ પ્રબળ બની છે. ભાવનગરમાં એક મહિલા નગરસેવકે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા બાદ માત્ર એક જ કલાકમાં ફરી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો, જે આ પરિસ્થિતિનું જાગતું ઉદાહરણ છે. પક્ષના જવાબદાર નેતાઓ સત્તા માટે ગમે તેવા સમાધાન કરે તો તેમની સામે શિસ્તભંગના કોઈ પગલાં લેવાતા નથી, પરંતુ આ નિયમો માત્ર સામાન્ય કાર્યકર્તાઓ માટે જ હોય તેવી વ્યથા આજે પાયાના સૈનિકો ઠાલવી રહ્યા છે.
અગાઉ જે લોકોએ ભાજપ વિરુદ્ધ આંદોલનો કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો, તેઓ આજે સત્તાધારી પક્ષમાં ગોઠવાઈ ગયા છે. ભાજપે ચૂંટણી માટે કેટલાક નિયમો બનાવ્યા હતા જેમ કેઃ સળંગ ત્રણ મુદતથી ચૂંટાતા સભ્યો, ૬૦ વર્ષથી વધુ ઉંમરના નેતાઓ, અને કોંગ્રેસમાંથી આવેલા આયાતી નેતાઓને ઉમેદવારી ન આપવી. પરંતુ આ નિયમો માત્ર કાગળ પર જ રહ્યા છે. વાંકાનેર તાલુકાની પંચાસીયા બેઠક પર ૭૨ વર્ષીય ગુલમહમદભાઈ બ્લોચ અને વાંકાનેર શહેરમાં ૫ મુદત પૂરી કરી ચૂકેલા ૬૩ વર્ષીય કાંતિભાઈ કુંઢીયાને ઉમેદવારી અપાઈ છે. એટલું જ નહીં, વાંકાનેરમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા અને ભાજપે ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાને ફરીથી પક્ષમાં લઈને મેદાનમાં ઉતારાયા છે.
રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો, કોંગ્રેસ કે અન્ય પક્ષોમાંથી આવેલા અને કેટલાક વિવાદો કે ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા લોકોને પણ પક્ષે ઉમેદવારી આપી છે. જ્યારે વર્ષોથી પક્ષનો ઝંડો ઉઠાવનાર કાર્યકર્તા આજે માત્ર સભાઓમાં પાથરણાં પાથરવા પૂરતો સીમિત રહી ગયો છે.
આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ માત્ર ભાષણો પૂરતી જ રહી ગઈ છે. અમુક વિસ્તારોમાં તો ભાજપ અને કોંગ્રેસની ઝંડીઓ લગાવવાનું કામ બંને પક્ષોએ એક જ એજન્સીને સોંપ્યું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. ખાસ કરીને રાજકોટના વોર્ડ નં. ૧૭ માં રાજકીય નાટક ચરમસીમાએ પહોંચ્યું છે. આ વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર કીર્તિબા રાણાએ કોંગ્રેસના ઉમેદવાર યોગીતાબા જાડેજાને હાર પહેરાવીને ચૂંટણી પહેલા જ જીતની શુભેચ્છા પાઠવી દીધી હતી! આ દ્રશ્ય જોઈને સાથે રહેલા કાર્યકર્તાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
નોંધનીય છે કે, ‘‘અકિલા''એ પોતાના અગાઉના સર્વેમાં વોર્ડ નં. ૧૭ ને ભાજપ માટે જોખમી વિસ્તાર (ડેન્જર ઝોન) ગણાવ્યો હતો, જે હવે સાચું પડતું દેખાઈ રહ્યું છે. ભાજપને અહીં પરાજયનો ડર સતાવી રહ્યો છે અને ઉમેદવારોની પોતાની પેનલ તૂટે તેવી પૂરી શકયતાઓ છે.
ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે બૂથ મીટિંગો, ભજિયા પાર્ટીઓ અને પ્રચારના ધમધમાટ પછી ઉમેદવારોને હાર ભાળી જતાં હવે જ્ઞાતિગત સમીકરણો અને પક્ષ વિરુદ્ધના મતદાન (ક્રોસ વોટિંગ) નો સહારો લેવામાં આવી રહ્યો છે. હવે આ લડાઈ પક્ષોની વિચારધારાની ન રહેતા માત્ર જ્ઞાતિવાદ આધારિત બની ગઈ છે. ચૂંટણી ટાણે જનતા સમક્ષ ‘‘થાય તે કરી લેજો'' ના નારા લગાવતા નેતાઓ, ચૂંટાયા બાદ સ્થાયી સમિતિની ચેમ્બરોમાં બેસીને ‘‘જેટલું થાય એટલું કરી દેજો'' ની નીતિ અપનાવી રહ્યા છે. આ બધું જોતા સ્પષ્ટ થાય છે કે નેતાઓ સત્તા માટે એક છે, અને લડાઈ માત્રને માત્ર સામાન્ય મતદારોના જ હિસ્સામાં આવી છે.
(3:28 PM IST)










