News of Thursday, 9th July 2026
રાજકોટમાં વોર્ડ સમિતિઓને મળશે નવી ગતિઃ મેયરે આજથી વોર્ડવાઈઝ બેઠકોનો કર્યો પ્રારંભ
તાકિદે વોર્ડ સમિતિ બનાવવા અપાશે સુચનાઃ વોર્ડની જરૂરિયાત, પ્રશ્નો અને વિકાસ કાર્યો પર થશે વિગતવાર ચર્ચાઃકોર્પોરેટરોને માર્ગદર્શન સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં ઝડપથી ઠરાવો લાવવાનો પ્રયાસઃ નેહલ શુક્લ

રાજકોટ, તા.૯: શહેરના વિકાસ કાર્યોમાં વધુ ઝડપ, પારદર્શિતા અને સ્થાનિક સ્તરે સમસ્યાઓના અસરકારક નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ સમિતિઓને વધુ સક્રિય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત મેયર નેહલ શુક્લએ આજથી વોર્ડવાઈઝ બેઠકોનો પ્રારંભ કરશે, જેમાં દરેક વોર્ડના કોર્પોરેટરો અને સંબંધિત અધિકારીઓ સાથે વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તળત ચર્ચા કરવામાં આવશે.
બેઠકોમાં વોર્ડની કામગીરી, કોર્પોરેટરોની ફરજ અને જવાબદારી, સ્થાનિક લોકોની જરૂરિયાતો, પ્રાથમિક સુવિધાઓ, રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતના પ્રશ્નો અને વિકાસલક્ષી પ્રસ્તાવો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવશે. કોર્પોરેટરો પોતાના વોર્ડના પ્રશ્નો અને સૂચનો સીધા રજૂ કરી શકશે, જેથી વિકાસ કાર્યોનું યોગ્ય આયોજન થઈ શકે અને જરૂરી કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવે.
જીપીએમસીએકટ અધિનિયમની જોગવાઈઓ મુજબ ત્રણ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વોર્ડ સમિતિઓની રચના કરવામાં આવે છે. દરેક વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટરો વોર્ડ સમિતિના સભ્ય હોય છે. એક જ વોર્ડની સમિતિ હોય તો તે વોર્ડના કોર્પોરેટર સમિતિનું અધ્યક્ષસ્થાન સંભાળે છે, જ્યારે એકથી વધુ વોર્ડનો સમાવેશ થતો હોય ત્યારે સંબંધિત કોર્પોરેટરોમાંથી એકને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. અધ્યક્ષ પોતાના અનુગામીની પસંદગી સુધી પદ પર યથાવત રહે છે અને ખાલી જગ્યા સર્જાય તો નવી પસંદગી કરવાની જોગવાઈ પણ અધિનિયમમાં કરવામાં આવી છે.
અધિનિયમ મુજબ વોર્ડ સમિતિઓની પ્રથમ બેઠક તેમની રચના બાદ ચાર મહિનાની અંદર યોજવાની જોગવાઈ છે. ત્યારબાદ દર વર્ષે નિર્ધારિત સમયમર્યાદામાં બેઠક યોજવાની રહે છે. વોર્ડ સમિતિઓનો કાર્યકાળ કોર્પોરેશનના કાર્યકાળ જેટલો જ રહે છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર સમિતિઓને સ્થાનિક વિકાસ, પ્રાથમિક સુવિધાઓ અને નાગરિકોની સમસ્યાઓના નિવારણ માટે જરૂરી સત્તાઓ અને કામગીરી સોંપી શકાય છે.
મેયર નેહલ શુકલ દ્વારા યોજાનારી આ બેઠકોમાં કોર્પોરેટરોને એ બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવશે કે કયા પ્રકારના વિકાસ કામોને યોગ્ય પ્રક્રિયા મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ સ્વરૂપે રજૂ કરવાથી ઝડપથી મંજૂરી મેળવી શકાય. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી આવા પ્રસ્તાવોનો અભ્યાસ કરીને જરૂરી ઠરાવો પસાર કરશે, જેથી વિકાસ કાર્યોમાં વિલંબ ઘટે અને લોકો સુધી સુવિધાઓ ઝડપથી પહોંચે.
મહાનગરપાલિકાનો મુખ્ય હેતુ વોર્ડ સમિતિઓને વધુ કાર્યક્ષમ બનાવી સ્થાનિક સ્તરે જ પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવાનો, કોર્પોરેટરોની ભૂમિકાને વધુ સશક્ત બનાવવાનો અને શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવાનો છે.
(3:28 PM IST)










