News of Saturday, 25th April 2026
કાલે રાજકોટ મહાનગરપાલિકાનું સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન
કુલ ૯ લાખ ૮૫ હજાર મતદારોઃ ૧૦૧૪ મતદાન મથકોઃ તમામ ૧૪ વોર્ડમાં બપોરે ર સુધીમાં ચૂંટણી સ્ટાફ બૂથ ઉપર રવાના : ૯ હજારનો પોલીંગ સ્ટાફઃ ૫૧૪ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોઃ જડબેસલાક સુરક્ષાઃ SRP મુકી દેવાઇ : કાલે રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ અને રાજકોટના તમામ તાલૂકા પંચાયતની ૨૦૨ બેઠકો માટે મતદાનઃ કુલ ૯ લાખ ૫૬ હજાર મતદારોઃ ૧૧૮૬ મતદાન મથકોઃ કુલ ૪૬૨ સંવેદનશીલ- અતિસંવેદનશીલ મથકો જાહેર

રાજકોટ, તા. ૨૫: રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કરાયેલી તૈયારીઓની માહિતી અંગે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. ઓમ પ્રકાશે વિગતો આપી હતી, તેમણે જણાવેલ કે બપોરે ર વાગ્યે તમામ બૂથ ઉપર સ્ટાફ રવાના થઇ જશે અને સાંજે પ સુધીમાં તમામ બૂથ અંગે રીપોર્ટ આવી જશે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડમાં ૨૩૬ ઉમેદવારોની યાદી આખરી થઈ છે. મહાનગરમાં ૫,૧૦,૦૮૬ પુરુષ મતદારો. ૪,૭૫,૮૪૮ મહિલા મતદારો તથા ૧૮ થર્ડ જેન્ડર મળીને ૯,૮૫,૯૫૨ મતદારો છે. ૧૦૧૪ મતદાન મથકો પર ૮૯૪૮ પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. ચૂંટણીમાં ૨૩૨૬ બેલેટ યુનિટ તથા ૧૧૬૩ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરાશે. ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ વન કક્ષાના છ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ ટુ કક્ષાના છ અધિકારી મુકાયા છે. મહાનગર પાલિકા ક્ષેત્રમાં ૧૫૧ પોસ્ટલ બેલેટ યુનિટ છે, કુલ મળીને ૧૪૮૦ કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કર્યો છે.
મહાનગરમાં ૫૦૬ સંવેદનશીલ અને આઠ અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૪૨૫ જેટલા વાહનોનું રિક્વિઝિશન કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ૧૦૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. જ્યારે તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો માટે ૫૯૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ બંને ચૂંટણી માટે કુલ ૧૧૮૬ મતદાન બૂથ નક્કી કરાયા છે તથા ૮૪૮૦ પોલિંગ સ્ટાફ નિયુક્ત કરાયો છે. ૧૧૮૬ બૂથોમાંથી ૧૭૯ અતિ સંવેદનશીલ અને ૨૮૩ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે.
આ ચૂંટણીમાં ૫,૦૧,૬૮૩ પુરુષ મતદારો તથા ૪,૫૪,૮૯૦ મહિલા મતદારો તથા બે અન્ય મળીને કુલ ૯,૫૬,૫૭૫ મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં ૨૬૭૫ બેલેટ યુનિટ તથા એટલા જ કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે આઠ ક્લાસ-૧ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ૨૨ ક્લાસ-૨ અધિકારી નિયુક્ત કરાયા છે.
તાલુકા પંચાયતની ચાર બેઠક બિનહરીફ થઈ છે, ૦૭-ગઢડા, ૦૪-દાળીયા, ૧૧-મેવાસા તથા ૦૧-ભાદાજાળીયાનો સમાવેશ થાય છે. તા.પં., જિ.પં.માં ૪૦૩ સર્વિસ વોટર્સ તથા ચૂંટણી ફરજના ૧૯૬૧ સ્ટાફ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.
ગોંડલ નગરપાલિકામાં ૧૧ વોર્ડમાં કુલ ૪૪ બેઠકો છે. જેમાં ૨૦ બેઠકો બિનહરીફ થઈ છે. ૨૪ બેઠકો પર ૪૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. નગરપાલિકામાં કુલ ૪૨,૨૩૫ પુરુષ મતદારો તથા ૩૯,૨૩૦ મહિલા મતદારો તેમજ છ અન્ય મળીને ૮૧,૪૭૧ મતદારો છે. કુલ ૫૮ બૂથ પર મતદાનની કામગીરી થશે. આ માટે ૧૭૦૨ સ્ટાફની નિયુક્તિ કરાઈ છે. ચૂંટણી માટે ૨૨૬ બી.યુ. અને ૧૧૩ સી.યુ.નો ઉપયોગ થશે.
રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ કુલ ૨૨૫૫ મતદાન મથકો છે. જેમાંથી ૮૧૪ સંવેદનશીલ મતદાન મથકો અને ૧૯૫ અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. તમામ મતદાન મથકોની ૧૦૦ ટકા ભૌતિક ચકાસણી કરવામાં આવીછે.
(12:05 PM IST)










