તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
મતદાન દરેક નાગરિકની નૈતિક જવાબદારી, કાલે અચુક મતદાન કરજો : ઉદય કાનગડ

રાજકોટ તા. ૨૫ : આવતી કાલે તા.૨૬ એપ્રિલ, રવિવારના સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે તે અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરીને લોકશાહીના આ પવિત્ર ઉત્સવને ઉજવવા માટે ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને હાર્દિક અપીલ કરી છે.
તેઓએ જણાવેલ છે કે મતદાન જાગૃતિ કોઈપણ લોકશાહી માટે જીવનદાયી તત્વ સમાન છે. લોકશાહી પ્રણાલીનું મૂળ તત્વ જનતા દ્વારા, જનતા માટે અને જનતાનું શાસન છે અને આ તત્વને સાકાર બનાવવા માટે મતદાન સૌથી મહત્વપૂર્ણ સાધન છે. મતદાન માત્ર એક અધિકાર નથી, પરંતુ તે દરેક નાગરિકની નૈતિક અને સામાજિક જવાબદારી પણ છે.
ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં મતદાનનું વિશેષ મહત્વ છે. અહીં વિવિધ ધર્મ, ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ ધરાવતા લોકો રહે છે. આવા દેશમાં લોકશાહી મજબૂત રહે તે માટે દરેક નાગરિકનો સક્રિય સહયોગ જરૂરી છે.
જ્યારે લોકો સમજદારીપૂર્વક મતદાન કરે છે ત્યારે એવા નેતાઓની પસંદગી થાય છે, જે પારદર્શિતા, વિકાસ, સારા શાસન અને જનકલ્યાણની વિચારધારા સાથે કાર્ય કરે છે. આ રીતે મતદાન જાગૃતિ દેશની પ્રગતિમાં સીધી રીતે યોગદાન આપે છે.
મતદાન માત્ર એક અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. આપણો એક એક મત દેશ, રાજ્ય અને શહેરના ભવિષ્યને નિર્ધારિત કરે છે. તેથી દરેક મતદારે કોઈ પણ પ્રકારની નિરસતા રાખ્યા વગર, ઉત્સાહ અને જવાબદારી સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તેમ અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું છે.
(3:54 PM IST)










