<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

વિવેક પરસાણા અને તેના ભાઇ પર પાઇપ, તાવીથાથી હુમલોઃ બીજી વાર ભેગો થાય તો પતાવી દેવાની ધમકી

કોઠારીયા સ્‍વાતિ પાર્ક રોડ પર બની રહેલા બ્રીજ નીચે વાહન અડી જવા મામલે મારામારી : ઢાળ પરથી વિવેકનું હોન્‍ડા પાછળના એક્‍ટીવામાં અડી જતાં તેના ચાલકે બીજા શખ્‍સ, મહિલાને બોલાવી હુમલો કર્યાની ફરિયાદઃ એક્‍ટીવાચાલક વનરાજભાઇ ગોગડા પણ હાથમાં ગંભીર ઇજાની ફરિયાદ સાથે સારવારમાં

રાજકોટ તા. ૨૨: કોઠારીયાર સ્‍વાતિ પાર્ક રોડ પર બ્રીજનું કામ ચાલુ હોઇ ઢાળ પરથી બાઇક પસાર કરતી વખતે યુવાનનું બાઇક પાછળ ઢળતાં પાછળ ઉભેલા એક્‍ટીવામાં અડી જતાં તેના ચાલકને એકટીવા સ્‍હેજ પાછળ લેવાનું કહેતાં ઝઘડો કરી બીજા શખ્‍સ, મહિલાને બોલાવી બાઇકચાલક પર પાઇપથી તેમજ ચા બનાવવાના તાવીથાથી હુમલો કરી આજે તો મારી જ નાંખવો છે કહી હવે પછી જ્‍યાં ભેગો થા ત્‍યાં મારી નાંખીશ તેવી ધમકી દેતાં ફરિયાદ થઇ છે. સામા પક્ષે એક્‍ટીવાચાલક પણ પોતાના હાથમાં ગંભીર ઇજા થયાની ફરિયાદ સાથે દાખલ થયો હતો.

આ બનાવમાં આજીડેમ પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક ઇગલ રેસીડેન્‍સીમાં રહેતાં વિવેક રમેશભાઇ પરસાણા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી વનરાજભાઇ, મયુરભાઇ અને અજાણી મહિલા સામે ગુનો નોંધ્‍યો છે. વિવેક પરિવાર સાથે રહે છે અને પિતાના કાસ્‍ટીંગના ધંધામાં મદદ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું સોમવારે સાંજે સાડા પાંચેક વાગ્‍યે મારા પત્‍નિ જેન્‍સીબેનને બાઇકમાં બેસાડી સ્‍વાતિ પાર્ક મેઇન રોડ રામેશ્વર સોસાયટી ખાતે મારા સસરાના ઘરે મુકવા જતો હતો ત્‍યારે પોણા છએક વાગ્‍યે બોલબાલ રોડ પર બ્રીજનુ઼ કામ ચાલુ હોઇ બ્રીજ નીચે પહોંચતા સામે ક્રિષ્‍ના પેટ્રોલ પંપ તરફ કાદવ કિચડ હોઇ અને થોડો ઢાળ હોઇ મેં મારા પત્‍નિને બાઇકમાંથી ઉતરવા જવા કહ્યું હતું. તેણી આગળ ક્રિષ્‍ના પંપ પાસે ચાલીને ગઇહતી. હું બાઇકને ઢાળ ચડાવતો હતો ત્‍યારે મારુ બાઇક સ્‍હેજ પાછળ પડતાં પાછળ ઉભેલા એક્‍ટીવાવાળાને અડી ગયું હતું.

આથી મેં એક્‍ટીવાચાલકને તેનું વાહન થોડુ પાછળ લેવા કહ્યું હતું. આ સાંભળી તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને તારે શું છે, હું મારુ એક્‍ટીવા પાછળ નહિ લઉ તેમ કહ્યું હતું અને મને ગાળો દેવા માંડયો હતો. આ પછી હું મારા પત્‍નિ આગળ ઉભા હોઇ ત્‍યાં ગયો હતો. આ વખતે એક્‍ટીવાચાલક ફરી મારી પાસે આવ્‍યો હતો અને ગાળો દેવા માંડયો હતો. તેમજ ઝપાઝપી કરવા માંડતા ટોળુ ભેગુ થઇ જતાં અમને છુટા પાડયા હતાં. આ દરમિયાન મેં મારા મોટા ભાઇ પારસભાઇને અને મારા પત્‍નિએ મારા સસરા કોૈશિકભાઇને ફોનથી જાણ કરી હતી. એ દરમિયાન એક્‍ટીવાચાલકે ફોન કરતાં તેના જાણીતા મયુરભાઇ આવી ગયા હતાં. મયુરભાઇએ સાથે એક મહિલા પણ હતાં. બાદમાં આ ત્રણેયએ મળીને મારકુટચાલુ કરી હતી. મહિલાના હાથમાં પાઇપ હોઇ તે વનરાજે લઇ આજે તો તને પતાવી જ દેવો છે કહીને મને માથામાં, શરીરે આડેધડ માર માર્યો હતો.

મારા પત્‍નિ સાથે પણ મહિલાએ ઝપાઝપી કરી હતી. એ દરમિયાન મારા ભાઇ અને સસરા આવી જતાં મને વધુ મારથી બચાવ્‍યો હતો. આટલીવારમાં મયુરભાઇ સામે ચાની હોટેલ હોઇ ત્‍યાંથી તાવીથો લાવ્‍યો હતો અને મને પીઠ પર ઘા ફટકાર્યા હતાં. મારા ભાઇ પારસભાઇ વચ્‍ચે પડતાં તેને પણ હાથ પર તાવીથો મારી દીધો હતો. માણસો ભેગા થઇ જતાં વનરાજ સહિતના ભાગી ગયા હતાં. જતાં જતાં પણ વનરાજે હવે તું જ્‍યાં ભેગો થયો ત્‍યાં મારી નાખવો છે તેવી ધમકી આપતો ગયો હતો. બાદમાં મેં ૧૦૮ બોલાવી હતી અને સારવાર માટે દાખલ થયો હતો.  તેમ વધુમાં વિવેક પરસાણાએ જણાવતાં ગુનો નોંધાયો છે.

સામા પક્ષે રણુજા મંદિર પાસે તિરૂપતીનગર-૩માં રહેતાં અને ટેલીકોમને લગતું કામ કરતાં વનરાજભાઇ બાવકુભાઇ ગોગડા (ઉ.વ.૪૫) પણ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે. તેણે પોતાના પર સ્‍વાતિ પાર્કના રોડ પર અજાણ્‍યા બાઇકચાલકે પોતાના પર હુમલો કરી પાઇપ ફટકારી હાથમાં ફ્રેકચર કરી નાંખ્‍યાનું કહ્યું હતું. વનરાજભાઇએ જણાવ્‍યું હતું કે મારા પત્‍નિ દક્ષાબેનને બાઇકમાં બેસાડીને જતો હતો ત્‍યારે બ્રીજનું કામ ચાલુ હોઇ એક્‍ટીવા ઢાળ પર ચડાવતો હતો તે વખતે બાઇક પાછળ આવતાં તેના ચાલકને ધ્‍યાન રાખવાનું કહેતાં ઝઘડો કરી બીાજ બે શખ્‍સોને બોલાવી મારા પર હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:29 PM IST)