<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

જુના રાજકોટના રસ્‍તાઓની ૪૬ કરોડના ખર્ચે કાયાપલટ થશે જનરલ બોર્ડમાં તંત્રની ધોલાઇ કામગીરીની ચમક દેખાડવા તંત્ર સક્રિય

દિવાળી બાદ વોર્ડ નં. ૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭માં ડામરકામનો ધમધમાટ શરૂ કરવાની તૈયારીઃ માત્ર રાજમાર્ગો નહીં, આ વખતે સોસાયટીઓના આંતરિક રસ્‍તાઓને પણ આવરી લેવાશે મેગા ટેન્‍ડર પ્રસિદ્ધઃ જનરલ બોર્ડમાં કોર્પોરેટરોએ તંત્રને ભીંસમાં લીધાના ગણતરીના દિવસોમાં જ કાર્યવાહી

રાજકોટ, તા.૨૭: રાજકોટના જૂના અને ગીચ વિસ્‍તારોમાં ખાડાખબડાવાળા રસ્‍તાઓથી ત્રાહિમામ પોકારી ઊઠેલા શહેરીજનો માટે આખરે રાહતના સમાચાર આવ્‍યા છે. ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્‍તાઓ, ઠેરઠેર પડેલા ખાડા અને પાઇપલાઇનના ખોદકામથી બિસમાર બનેલા માર્ગોના મુદ્દે જનરલ બોર્ડમાં ભારે હોબાળો મચ્‍યા બાદ  મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્‍યું છે. સેન્‍ટ્રલ ઝોનના છ વોર્ડમાં રસ્‍તાઓની કાયાપલટ કરવા માટે રૂપિયા ૪૫.૭૬ કરોડના ખર્ચે ડામરકામનું મેગા ટેન્‍ડરપ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે. ખાસ વાત એ છે કે આ વખતે માત્ર મુખ્‍ય રાજમાર્ગોને જ નહીં, પરંતુ રહેણાક સોસાયટીઓની શેરીઓ અને આંતરિક રસ્‍તાઓને પણ ડામરકામમાં આવરી લેવામાં આવ્‍યા છે.

 મહાનગરપાલિકાના સેન્‍ટ્રલ ઝોન હેઠળ આવતા વોર્ડ નં. ૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭ના વિવિધ વિસ્‍તારોમાં ડામર કાર્પેટ, રી-કાર્પેટ અને ડિઝાઇન રોડ બનાવવા માટે તંત્ર દ્વારા રૂ. ૪૫.૭૬ કરોડના અંદાજિત ખર્ચ સાથે ઇ-ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યું છે. શહેરના જૂના વિસ્‍તારોમાં એકસાથે આટલા મોટા પાયે મુખ્‍યમાર્ગો અને સોસાયટીઓના રસ્‍તાઓને આવરી લેતી કામગીરી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે.

વિશેષમાં મ્‍યુનિસિપલ સૂત્રોમાંથી જાણવા મળ્‍યા મુજબ, ગત ચોમાસામાં સેન્‍ટ્રલ ઝોનના મોટાભાગના રસ્‍તાઓની હાલત અત્‍યંત દયનીય બની ગઈ હતી. વરસાદના કારણે રસ્‍તાઓ ધોવાઈ જતાં ઠેરઠેર ખાડા પડી ગયા હતા. જોકે, તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર પેચવર્ક કરીને કામચલાઉ થીંગડાં મારવામાં આવ્‍યાં હતાં. પરિણામે વાહનોની સતત અવરજવર અને ભારે વરસાદ વચ્‍ચે રસ્‍તાઓ ફરી તૂટી પડ્‍યા હતા. આ સ્‍થિતિમાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

બીજી તરફ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પીવાના પાણીની ડી.આઇ. લાઇન અને ડ્રેનેજ પાઇપલાઇન નાખવા માટે શહેરના અનેક વિસ્‍તારોમાં આડેધડ ખોદકામ કરવામાં આવ્‍યું હતું. ખોદકામ પૂર્ણ થયા બાદ રસ્‍તાઓનું યોગ્‍ય સમારકામ નહીં થતાં અનેક સ્‍થળોએ ધૂળની ડમરીઓ, ઊબડખાબડ રસ્‍તાઓ અને ટ્રાફિકની સમસ્‍યા સર્જાઈ હતી. ખાસ કરીને જૂના રાજકોટની ગીચ બજારો અને રહેણાક વિસ્‍તારોમાં લોકોની મુશ્‍કેલીઓ વધી હતી.

તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પણ ખરાબ રસ્‍તાઓનો મુદ્દો જોરશોરથી ગાજ્‍યો હતો. કોર્પોરેટરોએ રસ્‍તાઓની કથળેલી હાલત અંગે તંત્રને આડે હાથ લેતાં ભારે ચર્ચા થઈ હતી. મેયરના આદેશ બાદ મ્‍યુનિસિપલ કમિશનરે રસ્‍તાઓની કામગીરી માટે તાત્‍કાલિક ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવાની સૂચના આપી હતી. તેના પગલે ગણતરીના દિવસોમાં જ રૂ. ૪૫.૭૬ કરોડનું ટેન્‍ડર ઙ્કસિદ્ધ કરવામાં આવ્‍યું છે.

આ વખતે ડામરકામ માત્ર મુખ્‍ય રસ્‍તાઓ પૂરતું મર્યાદિત રાખવામાં આવ્‍યું નથી. મુખ્‍યમાર્ગોની સાથે રહેણાક સોસાયટીઓના આંતરિક રસ્‍તાઓને પણ સામેલ કરાયા હોવાથી ટેન્‍ડરની રકમ મોટી થઈ છે. અત્‍યાર સુધી મુખ્‍યમાર્ગો ચકાચક થતા હોવા છતાં સોસાયટીઓની શેરીઓમાં ખાડા અને ધૂળની સમસ્‍યા યથાવત્‌ રહેતી હોવાની ફરિયાદો ઊઠતી હતી. હવે સોસાયટીઓના રસ્‍તાઓને પણ આવરી લેવાતાં હજારો પરિવારોને સીધો લાભ મળવાની આશા છે.

આ કામગીરી માટે અનુભવી કોન્‍ટ્રાક્‍ટરો પાસેથી ટુ-બિડ સિસ્‍ટમ હેઠળ ટેન્‍ડર મંગાવવામાં આવ્‍યાં છે. ટેન્‍ડર ભરવાની છેલ્લી તારીખ ૧૮ નવેમ્‍બર નક્કી કરવામાં આવી છે. ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડામરકામ હાથ ધરવામાં આવશે. મ્‍યુનિસિપલ સૂત્રોના જણાવ્‍યા મુજબ સેન્‍ટ્રલ ઝોન બાદ ઈસ્‍ટ, વેસ્‍ટ અને સાઉથ ઝોનના રસ્‍તાઓ માટે પણ ટૂંક સમયમાં ટેન્‍ડર ઙ્કસિદ્ધ કરવાની તૈયારી ચાલી રહી છે. (૩.૨૧)

 

 

કયાં કયાં રસ્‍તાઓ ચકાચક બનશે

રાજકોટઃ સેન્‍ટ્રલ ઝોનના રસ્‍તાઓની કાયાપલટ માટે પ્રસિદ્ધ કરાયેલા ટેન્‍ડરમાં શહેરના અત્‍યંત વ્‍યસ્‍ત અને મહત્ત્વના માર્ગોને આવરી લેવામાં આવ્‍યા છે. તેમાં યાજ્ઞિક રોડ, દસ્‍તુર માર્ગ, સરદારનગર મેઇન રોડ, ટાગોર માર્ગ, રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ, એરપોર્ટ રોડ, જામનગર રોડ, રેલવે જંક્‍શન સ્‍ટેશન રોડ, લોહાણાપરા મેઇન રોડ, મોચી બજાર મેઇન રોડ, પરા બજાર, દાણાપીઠ, ઢેબર રોડ, ગોંડલ રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડ, ભૂપેન્‍દ્ર રોડ, સોની બજાર, પેલેસ રોડ, કેનાલ રોડ, ૮૦ ફૂટ રોડ, જૂનો પારડી રોડ, અટીકા ઢેબર રોડ સાઉથ, કોઠારિયા રોડ અને હરિ ધવા માર્ગ સહિતના કુલ ૪૮ મુખ્‍યમાર્ગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ રહેણાક સોસાયટીઓના આંતરિક રસ્‍તાઓ ઉપર પણ ડામરકામ કરવામાં આવશે.(૩.૨૨)

 

જનરલ બોર્ડમાં રસ્‍તાનો મુદ્દો ગાજ્‍યો ને ગણતરીના દિવસોમાં ૪૬ કરોડનું ટેન્‍ડર

રાજકોટઃ બિસ્‍માર રસ્‍તાઓ અંગે જનરલ બોર્ડમાં કોર્પોરેટરોએ તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્‍યા હતા. રસ્‍તાઓ ઉપરના ખાડા, પેચવર્કની નબળી કામગીરી અને ખોદકામ બાદ રસ્‍તાઓનું સમારકામ નહીં થવાના મુદ્દે ભારે ચર્ચા થઈ હતી. આખરે મેયરના આદેશ અને કમિશનરની સૂચના બાદ તંત્રએ ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, હવે ટેન્‍ડર પ્રસિદ્ધ થયા બાદ કામગીરી કેટલી ઝડપથી શરૂ થાય છે અને રસ્‍તાઓની ગુણવત્તા કેટલી જળવાય છે તે જોવાનું રહેશે.(૩.૨૨)

 

(3:38 PM IST)