News of Saturday, 26th September 2026
વિમલનગરના રિક્ષાચાલક વૃધ્ધે ભાડાના પૈસા માંગતા મુસાફરે મુક્કા મારી લોહીલુહાણ કર્યા
પ્રેમમંદિરથી સાધુ વાસવાણી રોડના ક્વાર્ટર અને ત્યાંથી કોટેચા ચોક જવા નેપાળી શખ્સ બેઠો હતોઃ વૃધ્ધ વિસાભાઇ ખાંભલા સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ પાસે વિમલનગરમાં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં વૃધ્ધે સાંજે એક નેપાળી શખ્સને મુસાફર તરીકે બેસાડયો હોઇ આ શખ્સે ભાડાના પૈસા ન આપી ગાળાગાળી કર્યા બાદ વૃધ્ધ રિક્ષાચાલકને માથા-મોઢા પર મુક્કા મારી લોહીલુહાણ કરી નાંખતાં તેઓ બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ પુષ્કરધામ નજીક વિમલનગર-૧માં રહેતાં વીસાભાઇ સાંગાભાઇ ખાંભલા-રબારી (ઉ.વ.૬૦) સાંજે ચારેક વાગ્યે સાધુ વાસવાણી રોડ પર જનકપુરી પાસેના ક્વાર્ટર પાસે હતાં ત્યારે રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલા નેપાળી શખ્સે ઝઘડો કરી આડેધડ માથા-મોઢા-નાક પર મુક્કા મારતાં તેઓ બેભાન થઇ ગયા હતાં અને નાકમાંથી લોહી નીકળવા માંડયા હતાં.
દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોર ભાગી ગયો હતો. વિસાભાઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સ્ટિી પોલીસને જાણ કરી હતી. સવારે ભાનમાં આવેલા વૃધ્ધ વિસાભાઇએ કહ્યુ઼ હતું કે પ્રેમ મંદિર પાસેથી નેપાળી શખ્સે રિક્ષા ભાડે કરી હતી. તેને સાધુ વાસવાણી રોડના ક્વાર્ટરે જઇ ત્યાંથી ફરી કોટેચા ચોકમાં જવું હતું. જેથી મેં રૂપિયા ૧૦૦ ભાડુ કીધુ હતું. હું તેને જનકપુરી પાસેના ક્વાર્ટર ખાતે લઇ ગયો ત્યારે તે ઉતરીને હમણા આવું કહીને ગયો હતો. મોડેથી તે પાછો આવ્યો ત્યારે મેં તેને કોટેચા ચોક મુકી જાય બેસો તેમ કહેતાં તેણે હવે ત્યાં નથી જવું તેમ કહેતાં મેં ભાડાના પૈસા માંગતા ગાળો ભાંડવા માંડયો હતો. આ પછી તેણે મુક્કાથી મને આડેધડ માર માર્યો હતો.
(12:03 PM IST)










