News of Friday, 25th September 2026
મિત્ર સાથે ઉભેલા વિમલને સાળો કમલેશ ગળામાં હાથ નાંખી દૂર લઇ ગયો પછી છરીના ડઝનેક ઘા ઝીંકી રહેંસી નાંખ્યો
સહકારરોડ જમુનાનગરના યુવાને સાત વર્ષ પહેલા ખોખડદળ શિવધારાની શિતલ ધાંધળ સાથે લવમેરેજ કર્યા ત્યારથી શીતલનો ભાઇ કમલેશ ઉર્ફે કાનો બંનેને મારી નાંખવાની ધમકી આપતો હતોઃ આ ધમકી તેણે સાચી ઠેરવી મિત્ર ત્રુશાલ અગ્રાવતે ઘટના નજરે જોઇઃ ૧૦૮ બોલાવી તેણે વિમલને હોસ્પિટલમાં ખસેડયો અને બાદમાં વિમલના માતાને જાણ કરીઃ ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમાર, નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધ્યોઃ એક શકમંદ સકંજામાં

હત્યા જ્યાં થઇ તે ભક્તિનગર સર્કલે કાર્યવાહી માટે પહોંચેલી પોલીસ અને ઇન્સેટમાં હત્યાનો ભોગ બનનાર વિમલભાઇ વાણીયાનો ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૫: શહેરના સહકારનગર રોડ પર રહેતાં યુવાને સાત વર્ષ પહેલા અન્ય જ્ઞાતિની યુવતિ સાથે લવમેરેજ કર્યા હોઇ ત્યારથી જ યુવતિનો ભાઇ આ યુવાન અને પોતાની બહેનને મારી નાંખવાની ધમકી આપતો હતો. ગઇકાલે તેણે આ ધમકી સાચી ઠેરવી હતી અને ભક્તિનગર સર્કલ પાસે બનેવીને તેના મિત્રની નજર સામે જ છરીના ડઝનેક ઘા ઝીંકી ક્રુરતાથી પતાવી દીધો હતો. યુવાન પોતાના મિત્ર સાથે કોલેજીયન પાન પાસે ઉભો હતો ત્યારે તેને પાછળથી ગળામાં હાથ નાંખી નજીકના ઓમ ટ્રાવેલ્સ પાસે લઇ ગયા બાદ તેના પર છરીના ઘા ઝીંકાયા હતાં. ઓનરકિલીંગ જેવી આ ઘટનાને પગલે પરિણીતા વિધવા થઇ ગઇ છે અને અગીયાર મહિનાના પુત્રએ પિતાનું છત્ર ગુમાવી દીધું છે.
આ બનાવમાં પોલીસે હત્યાનો ભોગ બનનાર વિમલભાઇ ધર્મેન્દ્રભાઇ વાણીયા (ઉ.વ.૨૭)ના માતા સહકાર રોડ જમુનાનગર-૪માં ભોડેથી રહેતાં ભારતીબેન (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી વિમલભાઇના સાળા કમલેશ ઉર્ફે કાનો લાખાભાઇ ધાંધળ તથા તેની સાથે બાઇકમાં અને બૂલેટમાં આવેલા બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી એકને સકંજામાં લઇ મુખ્ય આરોપી કમલેશ સહિતની શોધખોળ હાથ ધરી છે.
ભારતીબેન વાણીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલના પતિ જયંતિભાઇ ભાખર સાથે રહુ છું. મારા આ બીજા લગ્ન છે. પહેલા પતિનું નામ ધર્મેન્દ્રભાઇ મગનભાઇ વાણીયા છે. પહેલા લગ્નથી સંતાનમાં એક દિકરો વિમલ અને એક દિકરી દિપાલી છે. પતિ ધર્મેન્દ્રભાઇનું અગાઉ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. સાતેક વર્ષ પહેલા મારા દિકરા વિમલને ખોખડદળ પૂલ પાસે શીવધારા સોસાયટીમાં રહેતી શીતલ લાખાભાઇ ધાંધળ સાથે પરીચય થયો હતો. એ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં વિમલ અને શિતલ ભાગી ગયા હતાં અને લગ્ન કરી લીધા હતાં. લગ્નના થોડા સમય બાદ આ બંને કડી તરફ રહેવા જતાં રહ્યા હતાં. ત્યાં શિતલનો ભાઇ કમલેશ ઉર્ફે કાનો ધાંધળ પહોંચી ગયો હતો અને મારા દિકરા વિમલને માર મારી તે પોતાની બહેન શીતલને સાથે લઇ જતો રહ્યો હતો.
ત્યારબાદ શીતલબને બીજે પરણાવી દીધી હતી. એ બનાવના એક વર્ષ બાદ શીતલ ફરી તેના ઘરેથી ભાગીને મારા દિકરા વિમલ પાસે આવી ગઇ હતી. ત્યારબાદ બંને ત્રણેક વર્ષ શાપર વેરાવળમાં રહ્યા હતાં. બે વર્ષ મેટોડામાં રહ્યા બાદ અઢી વર્ષથી રાજકોટમાં જમુનાનગરમાં અમારી શેરીમાં જ ભાડે મકાન રાખીને રહેતાં હતાં. લગ્નજીવન દરમિયાન શિતલે ૧૧ મહિના પહેલા જ દિકરાને જન્મ આપ્યો હતો. મારા દિકરાએ શીતલ સાથે લવમેરેજ કર્યા ત્યારથી શીતલનો ભાઇ કમલેશ ઉર્ફે કાનો આ બંનેને મારી નાંખવાની ધમકી આપતો હતો. ગુરૂવારે બપોરે પોણા ત્રણેક વાગ્યે વિમલના મિત્ર ત્રુશાલ અગ્રાવત મને કહેવા આવ્યો હતો કે ભક્તિનગર સર્કલ ઓમ ટ્રાવેલ્સ ઓફિસ પાસે વિમલને તેનો સાળો કમલેશ અને બીજા બે શખ્સો છરીના ઘા મારી ભાગી ગયા છે.
ત્રુશાલે વધુમાં કહ્યું હતું કે હું અને વિમલ સર્કલે કોલેજીયન પાન પાસે ઉભા હતાં ત્યારે કમલેશ તથા અન્ય બે શખસો બૂલેટ, બાઇક પર આવ્યા હતાં. વિમલને તેનો સાળો કમલેશ પાછળથી ગળામાં હાથ નાંખી નજીકમાં ઓમ ટ્રાવેલ્સ પાસે લઇ ગયો હતો. બાદમાં તેની સાથે ત્રણેય ઝપાઝપી કરવા માંડયા હતાં અને ગાળો દેવા માંડયા હતાં. કમલેશ ઉર્ફે કાનો બોલતો હતો કે-તે મારી બહેન સાથે પ્રેમલગ્ન કર્યા છે એટલે તને પતાવી દેવો છે. તેમ કહી છરી કાઢી વિમલને આડેધડ માર મારી પછાડી દીધા બાદ કમલેશ ઉર્ફ કાનાએ છરી કાઢી ગળા, છાતી, પેટ, હાથે-પગે ડઝનેક ઘા મારી દીધા હતાં. આ પછી ત્રણેય ભાગી ગયા હતાં. આ પછી મેં ૧૦૮ બોલાવી હોસ્પિટલે ખસેડયો હતો. ત્રુશાલે આ વાત કરતાં હું અને મારી પુત્રવધૂ શીતલ હોસ્પિટલે પહોંચ્યા હતાં.
જ્યાં અમને વિમલની લાશ જોવા મળી હતી. મારા દિકરાએ લવમેરેજ કર્યા હોઇ તે વાત શીતલના ભાઇ કમલેશ અને કુટુંબીજનોને ગમતી ન હોઇ વારંવાર વિમલ અને શીતલને તે મારી નાખવાની ધમકી આપતો હતો. આ કારણે તેણે મારા કિદરાની હત્યા કરી નાંખી છે. તેમ વધુમાં ભારતીબેને જણાવ્યું હતું. ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમાર, રાઇટર એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી એક આરોપીને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી હતી. ડીસીપી હેતલ પટેલ, ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં ભક્તિનગર પોલીસ, ડીસીબીની ટીમો, એલસીબી ઝોન-૧ની ટીમોએ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે
(3:06 PM IST)










