News of Saturday, 10th October 2026
લાપાસરીમાં ઉછીના આપેલા ૫૦ હજાર પાછા માંગતા વિજયસિંહ ભાટી, તેના પત્નિ, દિકરીઓ પર હુમલો
રસ્તામાં જયદિપસિંહ મળતાં વિજયસિંહે ઉઘરાણી કરતાં તેને મારકુટ કર્યા બાદ તેના પત્નિ નીતાબેન અને દિકરીઓને પણ મારકુટ કરીઃ બાદમાં ઘરે જઇ ફરીવાર ડખ્ખો કર્યોઃ નીતાબેનના દેરાણી વચ્ચે પડતાં તેને છરીથી ઇજા કરી

રાજકોટ તા. ૧૦: નજીકના લાપાસરી ગામે રહેતાં યુવાને એક વર્ષ પહેલા ગામમાં જ રહેતાં કુટુંબીને ઉછીના આપેલા પચાસ હજારની રસ્તામાં ઉઘરાણી કરતાં આ શખ્સે ઢીકાપાટુનો માર મારી લીધો હતો. ઝપાઝપીમાં તેનો ચેઇન પણ ખોવાઇ ગયો હતો. આ પછી યુવાનના પત્નિ, દિકરીઓને લઇ મારકુટ કરનારના ઘરે જાણ કરવા જતાં મા-દિકરીઓને પણ તેણે માર માર્યો હતો. આ પછી આ શખ્સે તેના ઘરે જઇ ધમાલ મચાવી હતી. જેમાં મહિલાના દેરાણી વચ્ચે પડતાં તેને છરીથી ઇજા પહોંચાડી હતી અને માથે જતાં મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવમાં આજીડેમ પોલીસે લાપસરી ગામે પ્રાથમિક શાળા પાછળ માન પ્રોવિઝન સ્ટોર પાસે રહેતાં ગુર્જર રાજપૂત નિતાબેન વિજયસિંહ ભાટી (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી કુટુંબી સગા લાપાસરીના જ જયદિપસિંહ ધીરૂભા ભાટી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. નિતાબેન પરિવારમાં પતિ, સાસુ, બે દિકરી, એક દિકરા સાથે રહે છે. ફરિયાદમાં જણાવાયુ છે કે સાંજે ચારેક વાગ્યે નિતાબેનના પતિ વિજયસિંહ લાપાસરી ગામથી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે લાપાસરી ગામના રોડ પર તેમના કુટુંબના જયદિપસિંહ ભાટીએ તેમને ઊભા રાખી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન જયદિપસિંહનો સોનાનો ચેઇન પડી ગયો હતો, જેની જાણ તેણે ઘરે આવીને કરી હતી. આ પછી સાંજના છએક વાગ્યે નિતાબેન અને તેમની બંને દિકરીઓ નેહા તથા પ્રિયંકાને લઇ જયદિપસિંહના ઘરે સોનાના ચેઇન બાબતે વાત કરવા ગયા ત્યારે જયદિપસિંહે તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો. જયદિપસિંહે ઉશ્કેરાઈને નિતાબેન અને તેમની દીકરીઓને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. માણસો ભેગા થઇ જતાં વધુ મારથી નીતાબેનને છોડાવ્યા હતાં.
બાદમાં સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ જયદિપસિંહ નિતાબેનના ઘર પાસે આવેલી તેમની દુકાને આવ્યો હતો અને વિજયસિંહ સાથે ફરીથી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. આ હુમલાથી બચાવવા માટે નિતાબેનના દેરાણી કાજલબેન વચ્ચે પડતા જયદિપસિંહે કાઢી મારેલા છરીના ઘાના કારણે કાજલબેનના ડાબા હાથના ભાગે ઇજા પહોંચી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી નાસી છૂટયો હતો અને જતા જતા વિજયસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ માથાકુટનું કારણ એ છે કે નીતાબેનના પતિ વિજયસિંહ ભાટીએ એક વર્ષ પહેલા આરોપી જયદિપસિંહ વીરૂભા ભાટી ને રૂા. ૫૦ હજાર હાથ ઉછીના આપ્યા હતાં. આ રકમ વિજયસિંહ અવાર-નવાર પરત માંગતા હતાં પણ જયદિપસિંહ આપતા ન હોઇ ગઇકાલે તે રસ્તામાં મળી જતાં વિજયસિંહે પોતાના પૈસાની ઉઘરાણી કરતાં તેણે મારામારી કરી હતી. બાદમાં પોતાના ઘરે આવેલા નીતાબેન અને તેમની દિકરીઓને મારકુટ કરી એ પછી નીતાબેનના ઘરે માથાકુટ કરવા જઇ ફરી મારામારી કરી હતી. જેમાં નીતાબેનના દેરાણીને પણ છરીથી ઇજા પહોંચાડી હતી. આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. એ. એચ. ગોહિલે ગુનો નોંધ્યો છે
(1:21 PM IST)










