તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
ઓવરલોડ ત્રણ ડમ્પરને રોકી વિડીયો બનાવી ૧૧૨માં ફોન કરતાં રેલનગરના વિજય કોઠીવાળ પર છ જણાનો હુમલો
એઇમ્સ હોસ્પિટલના રોડ પર રાતે બનાવઃ રેલનગરના વેપારીની કારને ડમ્પરવાળાએ સાઇડમાં દબાવી દેતાં ડખ્ખોઃ ગાંધીગ્રામ પોલીસે માધવ ઠુંગા, અજય, રેવા, રાહુલ, સુરાએ જેક, ઢીકાપાટુ, કડાથી માર માર્યો

રાજકોટ તા. ૨૪: રેલનગરમાં રહેતાં અને ખેતી કરવા સાથે બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતાં યુવાને પોતાની કારને ઓવરટેક વખતે દબાવી દેનારા ઓવરલોડ ડમ્પરને એઇમ્સ હોસ્પિટલના રોડ પર રાતે ઉભા રાખી વિડીયો ઉતારી ૧૧૨માં ફોન કરતાં ખાર રાખી છ શખ્સોએ કારમાં આવી તું કેમ અમારી ગાડીઓ રોકીને વિડીયા ઉતારે છે કહી લોખંડના જેકથી, ઢીકાપાટુથી અને હાથમાં પહરેવાના કડાથી માર મારી લોહીલુહાણ કરી મુકતાં સારવાર માટે દાખલ થવું પડયું છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રેલનગર-૩ અમૃત હેરીટેજ વિલા બ્લોક નં. ૩ ખાતે રહેતાં અને ખેતી કામ કરવા સાથે બીલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતાં વિજયભાઇ નવઘણભાઇ કોઠીવાળ (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી માધવ મછાભાઇ ઠુંગા, અજય ઠુગા, રેવા ભરવાડ, મેહુલ ભરવાડ, સુરા ભરવાડ અને તેની સાથેના અજાણયા માણસો સામે ગુનો નોંધ્યો છે.
વિજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ મારી થાર ગાડી લઇને મારા ઘરેથી પરાપીપળીયા ગામ ખાતે આવેલ મારા તબેલે જતો હતો. હું એઇમ્સ હોસ્પિટલ મેઇન રોડ ઉપર પહોચેલ અને મારી આગળ રેતી ભરેલ ત્રણ ટ્રક જતા હતા જેની હું ઓવરટેક કરવા જતા મારી આગળ જતાં પીળા કલરના ડમ્પરના ચાલકે ડમ્પર મારી સાઇડ તરફ દબાવેલ, જેથી મારી ગાડી તેની ઓવરટેક કર્યુ હતું. બાદ મુરલીઘર સર્કલની થોડે આગળ ઓવરલોડ ભરેલ ત્રણેય ડમ્પર રોકેલ અને મારા ફોનમાં તેનો વીડીયો ઉતારેલ અને ૧૧૨ ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.
તે દરમ્યાન ત્રણ ગાડી આવેલ જેમાં ક્રેટા, સ્કોર્પીયો અને સ્વીફટ ગાડી આવેલ અને તેમાંથી માઘવ મચ્છાભાઇ ઠુંગા તથા અજય, મેહુલ ભરવાડ, રેવા ભરવાડ, સુરા ભરવાડ તથા તેની સાથેના અજાણ્યા શખ્સો હતાં. માધવે મને-તે અમારા ડમ્પર કેમ રોક્યા છે? આજે તને જાનથી મારી નાખવો છે તેક કહ્યું હતું અને તેની સાથેના અજયે ગાળો દઇ મારો ફોન લઇ લીધો હતો અને કેમ અમારી ગાડીના વિડીયો ઉતારે છે? તેમ કહી માથામાં ગાડીનો જેક ફટકારી દીધો હતો. તેમજ માધવે ખાલી સોડા બાટલી મારી દીધી હતી અને રેવાએ હાથમાં પહેરેલા કડાથી તથા મેહુલ, સુરા અજાણ્યાએ ઢીકાપાટુ માર્યા હતાં.
હું પડી જતાં લોકો ભેગા થઇ જતાં આ લોકો ભાગી ગયા હતાં. ત્યાં મારો ભાઇ હરેશ પણ આવી ગયો હતો. મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહિ માથામાં છ ટાંકા લેવા પડયા હતાં. તેમ વધુમાં વિજયભાઇએ જણાવતાં પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. પીઠીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:53 PM IST)










