તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
પ્રાચીન સંસ્કૃતિના જતન સાથે આશાપુરા ગરબી મંડળ દ્વારા ગૂંજશે વીર હમીરજી ગોહિલની શૌર્યગાથાઃ કાલે આખ્યાન
૧૦થી ૧૨ વર્ષથી નાની બાળાઓ દ્વારા રજૂ કરાશે આખ્યાનઃ ધર્મપ્રેમીજનોને આમંત્રણ

રાજકોટઃ કોઠારિયા મેઇન રોડ પર નવા ગણેશ નગર, શેરી નં. ૨માં આવેલા આશાપુરા ગરબી મંડળ દ્વારા પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાના જતનના ઉમદા હેતુ સાથે છેલ્લા ૧૫ વર્ષથી નવરાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મંડળ દ્વારા નાની નાની બાળાઓને પ્રાચીન રાસ-ગરબા સાથે ભવ્યાતિભવ્ય વ્યાખ્યાનોનો લાભ પણ આપવામાં આવે છે. માતાજીના નવેનવ દિવસ દરમિયાન મંડળ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણ, રકતબીજ દૈત્ય સહિતના ઐતિહાસિક અને ધાર્મિક વિષયો પર કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ ઉપરાંત જીવણ જગમાલની માં મેલડી જેવા વિષયો પર પણ વ્યાખ્યાનો રજૂ કરવામાં આવ્યાં છે.
ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ આશાપુરા ગરબી મંડળ દ્વારા 'સોમનાથની સપાટ વીર હમીરજી ગોહિલ' વિષય પર ભવ્ય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વીર હમીરજી ગોહિલની શૌર્યગાથા રજૂ કરવામાં આવશે, જેમાં ઇતિહાસ, વીરતા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે.
આશાપુરા ગરબી મંડળનું વિશેષ આકર્ષણ એ છે કે અહીં ૧૦થી ૧૨ વર્ષની નાની બાળાઓ દ્વારા ભકિત, શકિત અને સંસ્કૃતિના સંગમ સમાન કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક ગૌરવની ભાવના જાગૃત થાય તેવા હેતુથી મંડળ દ્વારા દર વર્ષે આવા કાર્યક્રમો યોજવામાં આવતા હોવાનું જણાવાયું છે.
આ વ્યાખ્યાન શનિવાર, તા. ૨૪ ના રાત્રે ૮ વાગ્યે ગણેશ નગર, શેરી નં. ૨, વિવેકાનંદ સ્કૂલ પાસે, કોઠારિયા મેઇન રોડ, રાજકોટ ખાતે યોજાશે. મંડળના તમામ આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આ ઐતિહાસિક અને વ્યાખ્યાનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તસ્વીરમાં પ્રવિણસિંહ જાડેજા (૯૯૭૮૧ ૬૦૧૯૯), રવિભાઈ ચૌહાણ (૯૭૭૩૧ ૩૪૪૭૮), હાર્દિકસિંહ ખેર (૯૭૨૭૩ ૧૨૯૭૮), ચેતનભાઈ પ્રજાપતિ (૯૭૨૬૩ ૬૮૪૫૭) નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:11 PM IST)










